- વાહન ચાલી શકે તેવો રસ્તો નથી
- જંગલી પ્રાણીઓ કરી રહ્યા છે પશુઘનનું મારણ
- રાત્રીના સમયે પાણી આપવાને કારણે ભયના ઓથા હેઠળ જીવવું પડી રહ્યું છે
ભાવનગર : જિલ્લાના તળાજા પંથકના વેજોદરી અને મધુવન ગામના લોકોએ કલેક્ટરને આવેદનપત્ર આપીને પોતાની સ્થાનિક સમસ્યાનો હલ લાવવા જાણ કરીને માગ કરી છે. ખેડૂતોએ તેમની માગ નહીં સંતોષાય તો ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે તેવું એલાન કર્યું છે.
મધુવન વેજોદરી વચ્ચે રસ્તો બનાવવાની માગ
ભાવનગરના તળાજાના વેજોદરી અને મધુવન વચ્ચે રસ્તો નહીં અને હાલના ગાડા મારગમાં ચાલીને જવામાં પણ તકલીફ ઊભી થતી હોવાનું લોકો જણાવી રહ્યા છે. ધારાસભ્ય અને પંચાયતના જવાબદાર લોકો સુધી રજૂઆત કરવા છતા આ સમસ્યાનો હલ નહીં થવાથી ખેડૂતો અને ગામવાસીઓ પરેશાન થઈ રહ્યા છે. કારણ કે, ખેતરમાં જવા માટે એક માત્ર રસ્તો છે, જેમાં વાહનો કે ખેડૂતને આવનજાવન માટે ઘણા વર્ષોથી હાંલાકી ભોગવવી પડી રહી છે.
સિંહ દીપડાનો પણ ડર
તળાજાના મધુવન અને વેજોદરી ગામ વચ્ચે આવેલા ખેતરોમાં ખેડૂતોને ખેતી કરવી એટલે જીવ જોખમમાં મૂકવા સમાન બની ગયું છે. આ બે ગામ વચ્ચે એક તો રસ્તો નથી અને બીજી બાજુ સિંહ અને દીપડાને કારણે ખેડૂતને ખેતી કરવામાં ડર લાગી રહ્યો છે. આ સાથે સૌથી મોટું નુકસાન તેમના માલઢોરને સિંહ અને દીપડાઓ શિકાર બનાવતા ખેડૂતને માલઢોરનું પણ નુકસાન થઇ રહ્યું છે.
વીજળીના ધાંધીયા
આ બે ગામના ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવતી નહીં હોવાનું પણ ગામલોકોએ જણાવ્યું હતું. ગામના લોકોની માગ છે કે, જંગલી જાનવરો વચ્ચે રાત્રે લાઈટ મળવાથી ખેડૂતને જીવ જોખમમાં મુકવો પડી રહ્યો છે, ત્યારે વીજળી દિવસે આપવામાં આવે તો સમસ્યા હલ થાય. આમ બે ત્રણ હાંલાકી સાથે ખેડૂત અને ગામ લોકો દ્વારા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતું.
ગામલોકોએ શુ આપી ચીમકી?
તળાજાના આ બન્ને ગામની સમસ્યા આજદિન સુધીમાં હલ થઈ નથી અને કલેક્ટરને આવેદનપત્ર અને ધારાસભ્ય સુધીની રજૂઆત બાદ સમસ્યા હલ નહીં થાય તો આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે.