ભાવનગર: બોરતળાવ મોડી બુધવારની મોડી રાત્રે ઓવરફ્લો થયું છે. 43 ફૂટે ઓવરફ્લો થતા વહેલી સવારથી શહેરવાસીઓ નિહાળવા માટે પહોંચ્યા હતા. લોકોએ સેલ્ફીઓ લીધી હતી અને પ્રકૃતિની મજા માણી હતી. બોરતળાવ ઓવરફ્લો થતા નીચાણવાળા નદી કાંઠેના લોકોને રાત્રે મહાનગરપાલિકાએ સાવચેત કર્યા છે. જો કે ઓવરફ્લો સાથે અન્ય સમસ્યાઓ ઉદ્ભવી છે. જેને પગલે હાલાકી અંતે તો પ્રજાને થઈ છે.
ભાવનગરવાસીઓને મોજ: ભાવનગરનું બોરતળાવ એટલે ગૌરીશંકર તળાવ અંતે ઓવરફ્લો થયું છે. ભાવનગર શહેરની સ્થાપના સમયે ગૌરીશંકર તળાવ અસ્તિત્વમાં આવ્યું ત્યારથી લઈને આજ દિન સુધી ભાવનગરની શાન ગણવામાં આવે છે. જો કે મોડી રાત્રે મહાનગરપાલિકા દ્વારા રીક્ષા ફેરવીને ગઢેચી નદી કાંઠે રહેતા લોકોને સાવચેત કરવામાં આવ્યા હતા. પરંતુ દરવાજાની ઉપરથી પાણી હાલ વહી રહ્યું છે. જેનો અદભુત નજારો વહેલી સવારે નિહાળવા માટે ભાવનગરવાસીઓ પહોંચી ગયા હતા.
બોરતળાવને નિહાળીને આનંદ: ઓવરફ્લોનો અને બાળકોએ મજા લૂંટી ભાવનગરનું બોરતળાવ થવાની સાથે જ તે વહેલી સવારથી આસપાસ રહેતા લોકો પહોંચી ગયા હતા. પ્રકૃતિ પ્રેમીઓ દૂરથી પણ વાહન લઇને બોરતળાવના ઓવરફ્લોના દ્રશ્યો નિહાળવા માટે બોરતળાવની પાસે જોવા મળતા હતા. ઘણા કપલ્સ દ્વારા સેલ્ફી લેતા પણ નજરે પડ્યા હતા. જ્યારે બોરતળાવની નજીક આવેલી સરકારી શાળા નંબર 65ના વિદ્યાર્થીઓને લઈને શિક્ષકો પણ અદભુત દ્રશ્યોનો નજારો નિહાળવા માટે બોરતળાવ પહોંચ્યા હતા. શાળાના બાળકોએ મોટી સંખ્યામાં ઓવરફ્લો બોરતળાવને નિહાળીને આનંદ લૂંટ્યો હતો.
"મહાનગરપાલિકાની લાખો રૂપિયાની કૈલાશવાટીકામાં પાણી ફરી વળ્યાં છે. આયોજન વગરના કાર્યને પગલે આજે આ પરિસ્થિતિ સર્જાય છે"-- જયદીપસિંહ ગોહિલ (નગરસેવક કોંગ્રેસ,બોરતળાવ,ભાવનગર)
દીવાલમાંથી પાણીનું લીકેજ: મહાનગરપાલિકાના વોટર વિભાગના અધિકારી સી.સી.દેવમુરારીએ જણાવ્યું હતું કે, ઓવરફ્લો બાદ જે હોજમાં થઈને પાણી જઈ રહ્યું છે. તે હોજની દીવાલમાંથી પાણીનું લીકેજ છે. જેને સીપેજનું પાણી કહેવામાં આવે છે. જો કે આ જવાબદારી ભાવનગર મહાનગરપાલિકાના બિલ્ડીંગ વિભાગ હસ્તક હોવાથી તેના દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હાલમાં ભીકડા કેનાલના દરવાજાને પણ બંધ કરી દેવામાં આવ્યા છે. હાલ સુધી જે પાણી આવ્યું છે તે ત્રણ દિવસ સુધી ઓવરફ્લો રહે તેવી પૂરી શક્યતાઓ છે.