ભાવનગર: શહેરમાં અનેક જર્જરીત ઇમારતો ઊભી છે. ત્યારે આજે તખતેશ્વર પાસે આવેલ માધવહીલ કોમ્પ્લેક્ષની બાલ્કનીનો ભાગ બે માળનો તૂટી પડ્યો હતો. જેને પગલે નીચે આવેલી દુકાનોમાં આવતા જતા લોકો ઉપર કાટમાળ પડતા આશરે 18 જેટલા લોકોને ઇજા થવા પામી હતી. જેમાં સરટી હોસ્પિટલમાં એક મહિલાનું મોત નીપજ્યું છે. બનાવ બાદ પોલીસ, ફાયર, મહાનગરપાલિકાનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ઇજાગ્રસ્તોને બહાર કાઢવામાં આવ્યા અને કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. માધવ હીલને મનપા દ્વારા ખાલી કરાવવામાં આવ્યું છે. 50 થી વધુ ફ્લેટ અને 150થી વધુ દુકાનો ખાલી કરાવવામાં આવી છે. તેમજ બિલ્ડર દ્વારા સ્ટ્રક્ચર રિપોર્ટ અઠવાડિયામાં આપ્યા બાદ નિર્ણય લેશે.
ક્યારે બન્યો બનાવ: હાઇરાઈઝ બિલ્ડીંગ માધવ હિલમાં બે માળની બાલકનીનો સ્લેબ ધડાકાભેર સાથે તૂટી પડ્યો હતો. 11: 50 કલાકે સવારે બનેલી ઘટના બાદ આસપાસના લોકો બહાર દોડી આવ્યા હતા. ધડાકો થવાનો અવાજ આવતા જ લોકો બહાર નીકળીને જોતા માધવહીલનો સ્લેબ તૂટ્યો હોવાનું માલુમ થયું હતું. આથી સ્થાનિક લોકો પણ દોડી ગયા હતા. જો કે નીચે 10થી વધારે દુકાનો આવેલી છે તેમાં સવારથી જ હલનચલન અને ગ્રાહકોની અવરજવર રહે છે. ત્યારે બેન્ક ઓફ બરોડા પણ ત્યાં આવેલી હોય ત્યારે અનેક લોકો દટાયા હોવાનું સામે આવતા તંત્ર ઘટનાસ્થળે દોડી આવ્યું હતું.
" આજે વહેલી સવારે માધવ હિલમાં બાલ્કનીનો બે માળનો સ્લેબ તૂટ્યો છે. જેની જાણ થતા સ્થળ ઉપર આવ્યા છીએ. 17થી 18 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. JCB,ટ્રક, ટ્રેક્ટર સહિત કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે. જો કે આ બિલ્ડીંગને નોટિસ આપી છે કે કેમ તે હજી ચકાસવાનું બાકી છે. હાલમાં આ બિલ્ડીંગ અંદરથી કોઈ ક્ષતિગ્રસ્ત હોય તેવું લાગતું નથી. આમ છતાં પણ અમે આગળ ચકાસીને અહીં રહેતા લોકોને રહેવા દેવા કે નહી તે નક્કી કરશું." - એન વી ઉપાધ્યાય, કમિશ્નર, ભાવનગર મહાનગરપાલિકા
ઈજાગ્રસ્તોનું રેસ્ક્યુ: માધવ હિલમાં બાલ્કનીનો સ્લેપ તૂટતાની સાથે જ મહાનગરપાલિકાનું બિલ્ડીંગ વિભાગ સહિત દબાણ હટાવ સેલ અને કમિશનર સ્થળ ઉપર પહોંચી ગયા હતા. બનાવને પગલે કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરાઈ અને ઈજાગ્રસ્તોને રેસ્ક્યુ કરીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જો કે કોઈનું મૃત્યુ થયુ હોવાનું મોડે સુધી જાણવા મળ્યું નથી. ત્યારે નેતાઓમાં શહેર ભાજપ પ્રમુખ અભયસિંહ ચૌહાણ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરુભાઈ ધામેલીયા જેવા અનેક નેતાઓ ઘટના સ્થળે હાજર રહ્યા હતા. જોકે પોલીસ તંત્રએ સમગ્ર ઘટના પગલે વ્યવસ્થા ગોઠવીને ચાર તરફના રસ્તાઓ બંધ કરી દીધા હતા.
પ્રત્યક્ષદર્શીઓએ શું કહ્યું: માધવહિલમાં દુકાન ધરાવતા વિશાલભાઈ પોતાની દુકાનમાં હતા. અને આ દરમિયાન અવાજ આવ્યો અને બહાર જવા માટે જોકે દુકાન ખોલ્યો પણ ખુલ્યો નહીં. આથી અંદરની તરફ દરવાજો ખોલીને તેઓ બહાર આવતા ચોકી ગયા હતા. બેન્ક ઓફ બરોડામાં ચેક લેવા આવેલા રોહિતભાઈ પણ જણાવે છે કે પોતાનું બાઈક પાર્કિંગ કરવા જતા જ અચાનક બાલકનીનો સ્લેબ નીચે પડતા તેઓ ગભરાઈ ગયા હતા. તેમની નજર સામે આઠથી નવ લોકો દટાઈ ગયા હતા.