ભાવનગર : શું તમે ઘરમાં પોતાના બાળકોને આર્થિક રીતે કરકસર કરતા શીખવો છો ખરા ? હા જો માતા-પિતા આ શિક્ષણ આપી શકે નહીં તો બીજું શિક્ષણ તેના પછી વ્યવહારિક શિક્ષકો જ આપી શકે છે. એટલે જ તેમને ગુરુ કહેવામાં આવે છે. ભાવનગર જિલ્લાના એક ગામની પ્રાથમિક શાળામાં બાળકોને આર્થિક વ્યવહાર શીખવવા માટે બચત બેંક ઊભી કરવામાં આવી છે. જોકે આ બચત બેંક આજના યુગ પ્રમાણે ડિજિટલ છે. જુઓ આ ખાસ અહેવાલમાં તેનાથી લાભ શું ?
પ્રાથમિક શાળાની પહેલ : આજના આધુનિક યુગમાં આપણે આર્થિક સંકડામણમાં અનેક લોકો પોતાની જિંદગી છોડી દેતા જોયા હશે. કદાચ તેવા કિસ્સાઓ સામે પણ આવ્યા હશે. પરંતુ યુવા અવસ્થામાં પહોંચ્યા પહેલા જો બાળપણમાં જ આર્થિક વ્યવહારની સમજણ આપવામાં આવે, તો કદાચ યુવા અવસ્થામાં આર્થિક સંકડામણની ગૂંચવણમાં કોઈપણ વ્યક્તિ ફસાશે નહીં. હા બાળપણમાં જ જો આર્થિક કરકસર કરતા શીખવવામાં આવે. તો એ બાળક યુવા અવસ્થામાં ક્યારેય આર્થિક સંકડામણનો સામનો નહીં કરે. તેનું એક ઉત્તમ ઉદાહરણ ભાવનગર જિલ્લાની એક શાળામાં શિક્ષકોએ પૂરું પાડ્યું છે.
ડિજિટલ બચત બેંક : ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના અવાણિયા ગામની કુમાર પ્રાથમિક શાળામાં આશરે 200 થી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જોકે આ શાળા દ્વારા છેલ્લા એક મહિનાથી બચત બેંકનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આજના આધુનિક યુગ પ્રમાણે ડિજિટલ બચત બેંક બનાવવામાં આવી છે. શાળાએ પૈસા લાવીને ખર્ચ કરતા વિદ્યાર્થીઓને બચત કરતા પણ શીખવાડી શકાય તેવા હેતુસર આ બચત બેંકનો પ્રારંભ થયો છે. જેના થકી અવાણિયાની કુમાર શાળામાં આવતા વિદ્યાર્થીઓ આજે બચત કરીને આર્થિક વ્યવહાર પણ શીખી રહ્યા છે.
ક્યાંથી આવ્યો વિચાર ? અવાણિયા ગામની પ્રાથમિક શાળામાં જયદીપસિંહ ગોહિલ નામના શિક્ષક બચત બેંકના પ્રેરક છે. જયદીપસિંહ ગોહિલ અવાણીયા ગામ પહેલા ઘોઘાની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. ઘોઘામાં બાળકોને બચત કરતા શીખવવા માટે રામ રહીમ નામની બચત બેંક ચલાવતા હતા. જોકે રામ રહીમ નામને લઈને શિક્ષક સાથે ઔપચારિક વાતચીત થઈ હતી. તે મુજબ બેંકના નામકરણ પાછળ પણ એકતા દર્શાવવાનો એક વિચાર રહેલો હતો. જોકે ઘોઘામાં મોટાભાગે મુસ્લિમ અને હિન્દુ ધર્મના લોકો વસતા હોવાથી શાળામાં પણ બંને વર્ગના બાળકોની સરખી હોય છે. જેને પગલે આ બેંકનું નામ રામ રહીમ બચત બેંક રાખવામાં આવ્યું હતું. જોકે ત્યાં ડિજિટલ પ્લેટફોર્મ આપવામાં નહોતું આવ્યું. પરંતુ અવાણિયાની શાળામાં બદલી થયા બાદ જયદીપસિંહનો વિચાર ફરી અમલમાં આવ્યો. તેઓએ અવાણિયા ગામની શાળામાં ડિજિટલ બેન્કનો પ્રારંભ કર્યો, જેને હાલ એક મહિનો થયો છે.
અમારી પ્રાથમિક શાળામાં ડિજિટલ બેંક અને બચત બેંકના પ્રેરક તરીકે જયદીપસિંહ ગોહિલ છે. આ વિચાર જયદીપસિંહ ગોહિલને અગાઉ ઘોઘામાં આવ્યો હતો. ત્યાં તેઓ રામ રહીમ બેંક ચલાવતા હતા. ઘણી એવી મૂડી ભેગી થાય છે. બાળકોમાં કરકસર કેળવાય છે. બાળકોને વ્યવહારિક શિક્ષણ કેમ આપી શકાય એ આ બેંકથી જણાય છે. -- નિલેશભાઈ જાની (આચાર્ય, અવાણિયા કુમાર પ્રાથમિક શાળા)
આર્થિક વ્યવહારના પાઠ : ખાસ કરીને ગામડાઓમાં રહેતા પરિવાર મોટાભાગે આર્થિક રીતે સધ્ધર જોવા મળતા નથી. ત્યારે ગામડાના બાળકોમાં આર્થિક વ્યવહારની સમજણ આપવાનું કામ ડિજિટલ બેન્કે કર્યું છે. શિક્ષક મુકેશભાઈ વાઘેલાએ જણાવ્યું હતું કે, શાળાએ વાપરવા લાવતા બે પાંચ કે દસ રૂપિયામાંથી બાળકોને ખર્ચ કર્યા બાદ વધતા રૂપિયા બચત બેંકમાં રાખવા જોઈએ. તેવી શિક્ષકની સમજણ બાદ બાળકો ડિજિટલ બેન્કમાં પૈસા જમા કરાવતા થયા છે. ત્યારે અવાણીયા ગામની શાળામાં એક થી આઠ ધોરણના દરેક વર્ગખંડમાં એક ડિજિટલ બચત બેંક ચાલી રહી છે.
કેવી રીતે થાય છે બચત ? બાળકો દ્વારા એક, બે, પાંચ કે દસ રૂપિયા જેવી બચત રોજ કરવામાં આવી રહી છે. એક વર્ગખંડમાં એક મહિનામાં 800 રૂપિયા જેવી રકમ જમા થઈ છે. 20 માંથી 18 બાળકો બચત કરે છે. જોકે, સારી બાબત એ છે કે ડિજિટલ એપ્લિકેશન હોવાને પગલે પૈસા જમા કરાવવા અથવા તો ઉપાડ કરવામાં આવે તો તેનો સીધો જ મેસેજ તેના પિતાના મોબાઇલમાં ટેક્સ્ટ મેસેજ મારફતે જાય છે. આથી બાળકની પૈસાની લેવડદેવડથી વાલીઓ પણ માહિતગાર રહે છે.
ભણતર સાથે ઘડતર : આજના સમયમાં આર્થિક સંકડામણમાં કેટલાક લોકો પોતાની જિંદગી છોડીને ચાલ્યા જાય છે. ત્યારે અવાણિયા ગામના સરપંચ રાજદિપસિંહ ગોહિલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, શાળા દ્વારા ખૂબ જ સરસ અને ઉત્તમ વિચાર સાથે ડિજિટલ બેન્કનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે બાળપણ એટલે કે પાયાના પથ્થરમાં જ સંસ્કાર મળે છે. તેમાં જો શિક્ષકો દ્વારા આર્થિક વ્યવહાર અને બચતની ભાવના શીખવવામાં આવતી હોય, તો તે બાળક યુવા અવસ્થામાં ક્યારેય પર આર્થિક સંકડામણનો ભોગ બનશે નહીં. બાળકે પોતાનું શ્રેષ્ઠ જીવન જીવી શકશે. આથી શાળા દ્વારા કરવામાં આવેલી પહેલ ગામના દરેક બાળકો માટે શ્રેષ્ઠ છે.