ભાવનગર : દિહોર ગામેથી ત્રણ દિવસ પહેલા 56 લોકો સાથે બસ હરીદ્વાર માટે રવાના થઈ હતી. બસમાં મોટાભાગે દિહોર ગામના વૃદ્ધ લોકો સવાર હતા. આ યાત્રામાં દિહોર ગામના કોળી સમાજ અને બ્રહ્મ સમાજના લોકો સવાર હતા. રાજસ્થાન પહોંચ્યા બાદ પુષ્કરથી દર્શન કરી આગળ નીકળતા બસમાં ખામી સર્જાતા હાઈવે પર ઉભી હતી. ત્યારે અચાનક પાછળથી ટ્રેલર આવતા ભયાનક અકસ્માત સર્જાયો હતો. જેમાં 12 લોકોનું સ્થળ પર મૃત્યુ થયું હતું. તમામ લોકોનો મૃતદેહને તેમના વતન દિહોર ખાતે લાવવામાં આવ્યા હતા. ત્યારે તમામ 10 લોકોની એકસાથે અર્થી ઉઠતા સમગ્ર ગામ હિબકે ચડ્યું હતું. આ તમામ મૃતકોના અંતિમ સંસ્કાર પણ એકસાથે કરવામાં આવ્યા હતા.
દુઃખદ અકસ્માત : બનાવની મળતી માહિતી મુજબ 13 સપ્ટેમ્બરની વહેલી સવારે ભરતપુર જિલ્લાના નદબઈ વિસ્તારમાં યાત્રિકોની બસમાં ખામી સર્જાતા રિપેરિંગ ચાલી રહ્યું હતું. આ દરમિયાન પાછળથી એક ટ્રકે બસને પાછળથી ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બસની બહાર ઊભેલા અને અંદર બેઠેલા 12 વ્યક્તિના મૃત્યુ થયા હતા. ઉપરાંત 11 વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હતા. આ પ્રવાસી કાર્તિક ટ્રાવેલ્સની બસમાં પ્રવાસ કરી રહ્યા હતા. જે બસનો નંબર GJ 04 V 7747 હતો. મૃતકો અને ઈજાગ્રસ્તોને ભરતપુરની આર.બી.એમ. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક માહિતી પ્રમાણે મૃતકો અને ઇજાગ્રસ્તો ભાવનગરના તળાજા તાલુકાના દિહોર ગામના રહેવાસી છે. તેઓ ભાવનગરથી મથુરા જઈ રહ્યાં હતાં. રાજસ્થાનના પુષ્કરથી દર્શન કરીને નીકળ્યા બાદ હાઈવે પર બસમાં ખામી સર્જાતા રિપેરિંગ ચાલી રહ્યું હતું.
ભાવનગર કોળી સમાજનો હું પ્રમુખ છું અને કોંગ્રેસમાં વાઈસ પ્રેસિડેન્ટ છું. આ દુઃખદ ઘટના બની તેમાં અમારા રાજસ્થાનના ગેહલોત સાહેબથી માંડીને ગુજરાતના દરેક ભાજપ અને કોંગ્રેસના નેતાઓ ખૂબ જ મહેનત કરી અને મૃતદેહોને ગામ સુધી લાવવામાં આવ્યા છે. સૌને આ સમય સહન કરવાની શક્તિ ભગવાન આપે. આખા જિલ્લાના આગેવાનો અહીંયા પધાર્યા છે. -- કરશનભાઈ વેગડ (કોંગ્રેસ નેતા, ભાવનગર)
અકસ્માતનો ભોગ બનનાર લોકો : રાજસ્થાન પાસે ભરતપુર જિલ્લામાં સર્જાયેલા અકસ્માતમાં દિહોર ગામના રહેવાસીઓના દુઃખદ મૃત્યુ થયા હતા. આ બનાવમાં 12 જેટલા મૃતકો છે. તેમાં 55 વર્ષીય અંતુ લાલજીભાઈ જાની, 55 વર્ષીય નંદરામ મથુરભાઈ જાની, 52 વર્ષીય લલ્લુ દયાળભાઈ જાની, 30 વર્ષીય ભરત ભીખાભાઈ પરમાર, 30 વર્ષીય લાલજી મનજીભાઈ ઘોયલ, 50 વર્ષીય અંબાબેન ઝીણાભાઈ બારૈયા, 60 વર્ષીય કમુબેન પોપટભાઈ મકવાણા, 45 વર્ષીય રામુબેન ડાભી, 45 વર્ષીય મધુબેન અરવિંદભાઈ ડાભી, 65 વર્ષીય અંજુબેન બારૈયા, મધુબેન લાલજીભાઈ ચુડાસમા અને 58 વર્ષીય કલુબેન ઘોયલનું અકસ્માતમાં મૃત્યુ થયું છે. 14 સપ્ટેમ્બરના રોજ અકસ્માતનો ભોગ બનેલ લોકોના મૃતદેહને તેમના વતન લાવવામાં આવ્યા હતા. જોકે 12 મૃતકોમાં 10 દિહોર ગામના હતા. જ્યારે પાણીયાળી ગામ અને અકવાડા ગામના 1-1 વ્યક્તિનું મૃત્યુ થયું હતું.
ગઈકાલે સવારે હું ગાંધીનગર હતો. ત્યારે સમાચાર મળ્યા કે ભાવનગરની બસનો રાજસ્થાન પાસે અકસ્માત થયો છે. આથી ગામના સરપંચની સાથે સંપર્ક કર્યો અને મુખ્યપ્રધાનને રજૂઆત કરી હતી. મુખ્યપ્રધાનને તાત્કાલિક સહાય જાહેર કરી હતી. જોકે મારી સાથે સરપંચ હતા અને ગાડી ચલાવતા ચલાવતા તેમની આંખમાંથી પણ આંસુ સરી પડ્યા હતા. આમ મને પણ આંખમાં આંસુ આવી ગયા હતા. દરેક પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ ભગવાન આપે અને મૃતકોના આત્માને શાંતિ અર્પે. -- ગૌતમ ચૌહાણ (ધારાસભ્ય, તળાજા)
સમગ્ર પંથક શોકાતુર : ભાવનગર જિલ્લાના દિહોર ગામ ખાતે ચાર એમ્બ્યુલન્સમાં રાજસ્થાનથી બપોરે 12 કલાકની આસપાસ મૃતદેહોને લાવવામાં આવ્યા હતા. તળાજાના ધારાસભ્ય ગૌતમ ચૌહાણ સહિત કોંગ્રેસ નેતા અને કોળી સમાજના પ્રમુખ કરશન વેગડ સહિત પોલીસ તંત્ર ઉપસ્થિત રહ્યું હતું. ગામમાંથી એક સાથે 10 અર્થી ઉઠતા સમગ્ર ગામ હિબકે ચડ્યું હતું. રાજસ્થાન ભાજપના આગેવાન અને કાર્યકરો ભાવનગર મૃતદેહ સાથે આવ્યા હતા. એક સાથે 10 લોકોના અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ભાવનગર જિલ્લામાં આ બીજી ઘટના હતી, જેમાં હરિદ્વાર યાત્રાએ જતા યાત્રિકો અકસ્માતનો ભોગ બન્યા છે. સમગ્ર ઘટના બાદ ભાવનગર જિલ્લામાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. જોકે સરકાર દ્વારા મૃતકોને રૂપિયા ચાર લાખ અને ઇજાગ્રસ્તને રુ. 50,000 સહાય જાહેર કરેલ છે.
- Bharatpur Accident: દિહોર ગામના 48 લોકો હરિદ્વાર માટે ત્રણ દિવસ પહેલા રવાના થયા હતા અને રાજસ્થાનમાં નડ્યો અકસ્માત, 12 લોકોના મોત, સરકારની જાહેરાત અને સ્થિતિ જાણો
- Bharatpur Accident: ભાવનગરથી મથુરા જઈ રહેલા મુસાફરોની પાર્ક કરેલી બસને ટ્રેલરે ટક્કર મારી, 12 લોકોના મોત, મૃતકોના પરિવારને 4 લાખ રૂપિયાની સહાય જાહેર