ભાવનગર : આ શહેર દરિયા કાંઠા પર વસેલું શહેર છે. ગાંઠિયા શહેરની વાનગી છે. સવારમાં ઉઠીને ભાવનગરવાસીઓ ગાંઠિયાનો સ્વાદ ના લે તો દિવસ સારો પસાર થતો નથી. ચાલો જાણીએ શુ છે, ગાંઠિયા અને ક્યાં સુધી પ્રસિદ્ધ છે.
ભાવનગર શહેરની સ્થાપના 1723માં વડવા ગામે પાયો નાખીને મહારાજા ભાવસિંહજીએ કરી હતી. ભાવસિંહજી પરથી ભાવનગરનું નામકરણ થયું, અને ગોહિલવાડ તરીકે સૌરાષ્ટ્રમાં પ્રચલિત બન્યું. ભાવનગર દરિયા કાંઠે વસેલું અને રેલવે ક્ષેત્રે છેલ્લું સ્ટેશન માનવામાં આવે છે. તેમજ અહિંની પ્રજા ભોળી હોવાથી અહીંયા ગાયો પ્રત્યે પ્રેમ જોવા મળે છે.
તેથી ભાવનગરની ઓળખાણ ગુજરાતમાં ગાય, ગાંડા અને ગાંઠિયા તરીકે થઈ પણ તેમાં ગાંઠિયાનો સ્વાદ બહારથી આવનારા લોકોના મનને ભાવી ગયો. તેથી ગાંઠિયા દેશ વિદેશ સુધી પ્રચલિત થયા. વડવા ગામ સમયથી ગોહિલવાડ વિસ્તાર બન્યા પહેલા ગાંઠિયા ઘરે ઘરે બનતા હતા. અને સવારનો નાસ્તો માનવામાં આવતો હતો. ચણાના લોટમાંથી બનતા ગાંઠિયા ધીરે ધીરે દેશ વિદેશ સુધી પહોંચ્યા અને લોકોના સ્વાદમાં સ્થાન ધરાવી લેતા તેની માંગ વધવા લાગી હતી. ગાંઠિયા ધીરે ધીરે વિકાસ થતા જાહેરમાં ગરમાગરમ વહેંચાવા લાગ્યા.
આજે ભાવનગરના લોકો સવારમાં બહાર દુકાન પર ગાંઠિયા, પપૈયાની ચટણી અને તીખા મરચા સાથે સ્વાદ લેવાનું ચૂકતા નથી. ભાવનગરમાં મનુભાઈ ગાંઠિયાવાળા તરીકે પ્રચલિત થયા અને આજે મનુભાઈ સહિત અનેક ફરસાણ વાળાની દુકાન પર ગાંઠિયા ફેમસ છે. ગાંઠિયા પણ અનેક પ્રકારના બનાવવામાં આવે છે. અંગૂઠિયા ગાંઠિયા, ઝીણા ગાંઠિયા, લસણીયા ગાંઠિયા, મરીવાળા ગાંઠિયા આમ અનેક પ્રકારના અંદાજીત 15 થી વધુ પ્રકારની વેરાયટીઓ બનાવવામાં આવે છે. ગાંઠિયા આજે પણ વિદેશ સુધી ગુજરાતીઓ મંગાવે છે. ભાવનગરના ગાંઠિયા ગુજરાતમાં પણ અનેક સ્થળો પર મળે છે