ભાવનગર: ભાવનગરના આંગણવાડી કર્મચારી સંગઠનના પ્રમુખ અરૂણભાઇ મહેતાએ સમગ્ર દેશની આંગણવાડી બહેનોને ન્યાય અપાવ્યો છે. આંગણવાડી વર્કર હેલ્પર બહેનોને વેતન અને ગ્રેચ્યુટી માટે સુપ્રીમ કોર્ટ સુધી લડત લડીને આંગણવાડી બહેનોને ન્યાય અપાવ્યો છે.
સુપ્રીમ કોર્ટમાં શુ કહ્યું: સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં ચાલતો હતો ત્યારે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા પણ પોતાના દલીલો અને જવાબો રજૂ કરવામાં આવ્યા હતા. આંગણવાડી કર્મચારી સંગઠનના રાજ્યના પ્રમુખ અરૂણભાઇ મહેતાએ જણાવ્યું હતું કે," કેન્દ્ર અને રાજ્ય સરકારે એવી દલીલ આપી હતી કે આ એક પ્રોજેક્ટ છે, એટલે માનદ વેતન આપવામાં આવે છે. સુપ્રીમ કોર્ટ આ દલીલને ખારીજ કરી હતી, અને સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે સ્ટેચ્યુટરી ડ્યુટી બહેનો બજાવી રહ્યા છે એટલા માટે તે નોકરિયાત છે. 50 વર્ષ સુધી કોઈ પ્રોજેક્ટ હોય નહીં આથી તેને ઇન્સ્ટિટયૂટ કહેવાય તેમ કહીને ચુકાદો આપ્યો હતો. 2018માં કેસ દાખલ થયો અને 2022માં ચુકાદો આવ્યો હતો".
લાખો આંગણવાડી બહેનોને ભવિષ્યમાં ફાયદો: સુપ્રીમ કોર્ટમાં ચુકાદો આંગણવાડી બહેનો તરફ આવ્યા બાદ રાજ્ય સરકારે ગ્રેજ્યુટીની રકમ ચૂકવવા માટે એક ડગલું પણ ભર્યું છે. આંગણવાડી કર્મચારી સંગઠનના પ્રમુખ અરુણ મહેતાએ જણાવ્યું હતું કે 982 જેટલી બહેનોને 7 કરોડ ગ્રેચ્યુટી પ્લસ 10 ટકા વ્યાજનું ચૂકવણું કરાયું છે. હજુ 1500 જેટલી બહેનોનું અંદાજે 10 કરોડનું ગ્રેજ્યુઇટીની રકમ બાકી નીકળે છે. તેના માટે અમારી લડત ચાલુ છે. સમગ્ર દેશમાં આંગણવાડી બહેનોને આ ચુકાદો લાભ અપાવશે.
પોલિયો નાબૂદી કરવાનું કામ: વધુમાં પ્રમુખ અરુણ મહેતાએ જણાવ્યું કે, "જો કે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે બહેનો કોરોનામાં સતત ફરજ બજાવી છે. પોલિયો નાબૂદી કરવાનું કામ તેમણે કર્યું છે. આથી તેમના પગાર વધારો પણ કરવો જોઈએ અને પેન્શનના પણ લાભ આપવા જોઈએ. અમે 330 બહેનો ચુકાદા વખતે પણ હાજર રહી હતી. દેશની 27 લાખ આંગણવાડી વર્કર હેલ્પર બહેનો અને રાજ્યની 1.3 લાખ બહેનો જે હાલમાં ફરજ બજાવી રહી છે. તેમજ નિવૃત્ત આંગણવાડી કર્મચારી બહેનોને સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ સીધો લાભ થવાનો છે.