- મહુવાના પઢિયારકા ગામનો બનાવ
- વહેલી સવારે કુદરતી હાજતે ગયેલા આધેડનું મોત
- દીપડા જેવા વન્યપ્રાણીએ હુમલો કર્યો
ભાવનગર: મહુવાના કાંઠા વિસ્તારમાં તાજેતરમાં જ સિંહોના એક ઝૂંડે 5 ગાયોનું મારણ કર્યું હતું. જેને લઈને સ્થાનિકોમાં ડરનો માહોલ વ્યાપી ગયો હતો. જોકે, ત્યારબાદ નજીકમાં જ આવેલા પઢિયારકા ગામમાં રહેતા ભણાભાઈ ચીંથરભાઈ બારીયા (ઉં.વ.70) વહેલી સવારે કુદરતી હાજતે ગયા હતા. જ્યારબાદ તેમનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી. તેમના મૃતદેહ પરથી દીપડા જેવા કોઈ ખૂંખાર વન્યપ્રાણી દ્વારા કરાયેલા હુમલામાં તેમનું મોત નિપજ્યુ હોવાની શક્યતા સેવાઈ રહી છે. આ વચ્ચે વન વિભાગ તેમજ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
લોકોને સુરક્ષા મળે તે માટેની માગ
આ ઘટનાને લઈને RFOનો સંપર્ક કરવામાં આવતા સંપર્ક થઈ શક્યો ન હતો. જોકે, કાંઠા વિસ્તારમાં બનેલી આ બીજી ઘટના બાદ સ્થાનિકોમાં ડર ઘૂસી ગયો છે. ત્યારે મહુવા અને આસપાસના વિસ્તારોમાં વન વિભાગ દ્વારા ચેકિંગ વધારવામાં આવે અને અહીંના લોકોને સુરક્ષા આપવામાં આવે તેવી માગ લોકોમાં ઉઠી છે.