ભાવનગર: વિશ્વમાં બીજા નંબરનું સ્થાન ધરાવતું અલંગ શીપ યાર્ડ હાલ કોરોના વાઈરસનાં સંક્રમણને લઈને શીપ લાવવા તેમજ ભાંગવા પર રોક લગાવવામાં આવી છે. તેમજ ભારતમાં લોકડાઉનની સ્થિતિમાં અહી કામ કરતા આશરે 25 હજાર કામદારો હાલ ભાવનગર જિલ્લાના અલંગ ખાતે રોકાણ કરી કપરી પરિસ્થતિનો સામનો કરી રહ્યા છે. અલંગ શીપ રિસાયકલિંગ ઈન્ડસ્ટ્રીઝમાં શીપ કટિંગ વિભાગમાં આશરે 10 હજાર મજૂરો કામ કરી રહ્યા છે તેમજ રિસાયકલિંગ સાથે સંકળાયેલા અન્ય રોલિંગ મિલ તેમજ ફર્નેસ ઉદ્યોગો સાથે મળી કુલ 25,000 જેટલા મજૂરો ભાવનગર જિલ્લામાં કામ કરી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે.
હાલ કોરોના વાઈરસનાં સંક્રમણ સ્થિતિમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સંક્રમણને રોકવા ભારત દેશને લોકડાઉન કરતા અલંગમાં કામ કરતા મજૂરો પોતાના વતન પાછા ફરી શક્યા નથી. પોતાના વતન પાછા નહિ ફરી શકતા કામદારો માટે શીપ એસોસિએશન તેમજ સરકાર તરફથી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની વ્યવસ્થાઓ પુરતા પ્રમાણ કરવામાં આવી છે. આ ઉપરાંત અલંગ યાર્ડમાં કામ કરતા મજૂરોનાં વેતન પણ માર્ચ મહિનામાં જ આપી દેવામાં આવ્યા છે. જેથી કોઈ પણ મજૂરોને નાણાકીય અગવડ ઉભી ન થાય.
અલંગ શીપ રિસાયકલિંગ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા હાલ ચાલી રહેલા કોરોના વાઈરસના ફેલાવાને ધ્યાનમાં રાખીને મજૂરો માટે તમામ વ્યવસ્થાઓ જેવી કે, મેડીકલ સુવિધા, રહેવા, જમવા વ્ય્સ્થાઓ કરવામાં આવી છે. શીપ એસોસિએશનના સેક્રેટરી હરેશ પરમાર દ્વારા જણાવ્યું છે કે, શીપ કટિંગ તેમજ તેને લગતા ઉદ્યોગો સાથે સંકળાયેલા વ્યક્તિઓ એ યુપી, બિહાર, ઝારખંડ, એડિસા અને મહારાષ્ટ્રમાંથી કામ કરી મજૂરો પોતાનું ગુજરાન ચલાવે છે.
હાલ અલંગ ખાતે મજૂરો માટે એસોસિએશન દ્વારા પુરતી તકેદારી રાખવામાં આવે છે. જે મજૂરો લોકડાઉનનાં કારણે પોતાના વતન પાછા જઈ શક્યા નથી, તેમના માટે રાસનની કીટનું વિતરણ પણ પહેલેથી જ કરી દેવમાં આવ્યું છે. તેમજ અત્યાર સુધીમાં અલંગ ખાતે કોરોના વાઈરસનો એક પણ પોઝિટિવ કેસ નથી. તેમજ જો કોઈ સંક્રમિત હોય તો, તેને તાત્કાલિક મેડિકલ સુવિધા મળી રહે તે માટે શીપ એસોસિએશન દ્વારા હાઉસિંગ સોસાયટી ખાતે 100 બેડ તેમજ જી.એમ.બી અને રેડક્રોસ દ્વારા અલંગ હોસ્પિટલ ખાતે 24 કલાક ડૉકટરોની ટીમને તૈનાત કરવામાં આવી છે.
અલંગ એસોસિએશન દ્વારા સરકાર દ્વારા આપવામાં આવેલી લેબરો માટેની વ્યવસ્થાઓ પર પુરતી તકેદારી રાખવામાં આવી રહી છે. તેમજ કોઈ મજૂરો દ્વારા કોઈ સહાય ન મળ્યાની ફરિયાદ પણ આજદિન સુધી મળી નથી. તેમજ જો કોઈ પરપ્રાંતીય મજૂરોની ફરિયાદ હશે, તો તેનાં નિરાકરણ માટે અલંગ એસોસિએશન ખડેપગે ઉભા હોવાની બાહેધરી આપવામાં આવી છે.