ભાવનગર: ભાવનગરની એક માત્ર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓ અડધોઅડધ પરીક્ષાર્થીઓ આગામી પરીક્ષાથી વંચિત રહી શકે છે. શહેરની એક માત્ર મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ડિટેઇન કરવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે અંદાજે 95 જેટલા વિદ્યાર્થીઓને ડિટેઇન કરાયા છે. જેને પગલે આ વિદ્યાર્થીઓ આગામી દિવસોમાં આવનારી તેમની પરીક્ષાઓ આપી શકશે નહીં.
'ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલના નિયમ પ્રમાણે થિયરીમાં 75 ટકા હાજરી અને પ્રેક્ટીકલમાં 20 ટકા હાજરી હોવી જરૂરી છે. જે વિદ્યાર્થીઓને ડિટેઇન કરવામાં આવ્યા છે, તેની હાજરી સંપૂર્ણ નહોતી. જેને પગલે તેમને ડીટેઇન કરાયા છે. તેઓ આગામી દિવસોમાં પરીક્ષા આપી શકશે નહીં. જો કે તેમને બીજું કારણ બોન્ડનું પણ જણાવ્યું હતું.' - એચ બી મહેતા (ડીન, મેડિકલ કોલેજ, ભાવનગર)
વિદ્યાર્થીઓએ નથી ભર્યા બોન્ડ: જ્યારે પ્રવેશ મેળવવામાં આવે ત્યારે ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલના નિયમો વિદ્યાર્થીઓને સમજાવવામાં આવે છે અને વાલીઓને પણ જણાવવામાં આવે છે. હાજરીની સાથે બોન્ડ પણ ભરવાના હોય છે. નિયમ પ્રમાણે પ્રવેશ મેળવ્યાના એક મહિનાની અંદર 20 લાખનો બોન્ડ ભરવાનો હોય છે, જેમાં 15 લાખનું બોન્ડ એફિડેવિટનું હોય છે. એટલે માત્ર પાંચ લાખનું બોન્ડ વિદ્યાર્થીઓએ ભરવાનું રહેતું હોય છે. જો કે આવા અનેક વિદ્યાર્થીઓ છે,જેને બોન્ડ પણ ભર્યા નથી અને હાજરી પણ નથી. આથી ડીટેઇન કરાયા છે. બે વિદ્યાર્થીઓએ તો બીજા વર્ષની પરીક્ષા નજીક આવી ગઈ હોવા છતાં પણ બોન્ડ ભર્યા નથી.
ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલના નિયમો પ્રમાણે ડિટેઈન: ભાવનગર શહેરની મેડિકલ કોલેજમાં 200 સીટ છે. 91 વિદ્યાર્થીઓને નવેમ્બરથી શરૂ થતી યુનિવર્સિટીની આખી પરીક્ષામાં ડીટેઈન કરવાનો હુકમ કર્યો છે. તેમજ 2 વિદ્યાર્થીઓના એમબીબીએસમાં પ્રવેશ મેળવ્યાના આજ દિન સુધી 20 લાખના બોન્ડ કોલેજમાં જમા નહીં કરાવવાને કારણે પરીક્ષામાંથી ડિટેન કર્યા છે. વિદ્યાર્થીઓને પ્રવેશ વખતે ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલના નિયમો જણાવી દેવામાં આવતા હોય છે. ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલના નિયમ પ્રમાણે વિદ્યાર્થીઓને ડિટેઇન કરવામાં આવ્યા છે. આગામી ડિસેમ્બર જાન્યુઆરીમાં પરીક્ષાઓ આવી રહી છે.