- ભાવનગર શહેરમાં ઘાસ ભરેલા ટ્રકમાં લાગી આગ
- ઘાસ ભરેલો ટ્રક જોત જોતામાં સળગી ગયો
- ટ્રક ચાલકનો આબાદ બચાવ
ભાવનગર : શહેરમાં ધ બર્નિંગ ટ્રક જેવો કિસ્સો સામે આવ્યો છે. ઘાસ ભરેલા ટ્રક પર વીજ વાયર પડ્યો હતો. જે બાદ પણ ટ્રક ચાલતો રહેતા આ આગ વિકરાળ બની હતી. આગ વધી જતા ટ્રક ચાલકે ટ્રક ઉભી રાખી દૂર જતો રહ્યો હતો. જે કારણે તેનો જીવ બચી ગયો પણ જોત જોતામાં ટ્રક ખાખ થઈ ગયો હતો.
ટ્રક ચાલક ઉતરીને એક તરફ થઈ ગયો
ભાવનગરના ભીલવાડા સર્કલ પાસે જાહેર રસ્તામાં ટ્રકમાં લાગેલી આગ વિકરાળ બની ગઈ હતી. જે કારણે ટ્રક ચાલક ઉતરીને એક તરફ થઈ ગયો હતો. આ આગનું વિકરાળ સ્વરૂપ જાહેર રસ્તામાં જોવા મળ્યું હતું. આવતા જતા દરેક લોકોએ હોળી થતી હોય તેવા દ્રશ્ય રસ્તા પર જોયા હતા.
આગ કેમ લાગી અને શું બન્યું હતું
ભાવનગર શહેરમાં આવેલા સાંઢિયાવાડથી આગળ વાલકેટ ગેટ પાસે ઘાસ ભરેલો ટ્રક આવી રહ્યો હતો. જે દરમિયાન તેના પર વીજ વાયર તૂટતા આગ લાગી હતી. જેની જાણ ટ્રક ચાલકને હતી, પણ ટ્રક ચાલક ખુલ્લી જગ્યાએ ઉભા રહીને આગ ઓલવશે તેવા વિચારમાં હતો. જે બાદ આ આગ સાથે આગળ ચાલતો ગયો, પણ ભીલવાડા સર્કલ નજીક પહોંચતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું અને ચાલકને ઉતરી જવાની ફરજ પડી હતી. સમગ્ર ઘટનાની જાણ થતા ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.