ભાવનગરઃ જિલ્લામાં વરસેલા ભારે વરસાદના પગલે ઉપરવાસમાંથી ભારે માત્રામાં પાણી છોડાતા ભાલ પંથક જળમગ્ન બન્યો છે. જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી દેખાય છે. આ માહોલમાં વન્યજીવો માથે મુસીબત આવી પડતા ભાવનગર વેળાવદર નેશનલ પાર્ક ખાતે અને ભાલ પંથકમાં વિચરતા કાળીયાર પર સંકટ ઉભું થયું છે.

મળતી માહિતી મુજબ વરસાદી પાણીના કારણે અત્યાર સુધીમાં કુલ 5 કાળીયારના મોત થયા છે. ભાલ પંથકમાં છેલ્લા 10 દિવસથી વરસાદી પાણી ભરાઈ જતા પાણીથી બચવા કાળીયાર પોતાનો જીવ બચાવી રહ્યા છે. તો એકબાજુ ભરાયેલા પાણીથી જ્યારે બીજીબાજુ ગ્રામ્ય વિસ્તારમાં શ્વાનના હુમલાથી કાળિયાર ઇજાગ્રસ્ત થઈ રહ્યા છે.
છેલ્લા 3 દિવસમાં કાળિયાર પર શ્વાન દ્વારા થયેલા હુમલામાં અનેક કાળિયાર ઘવાયા છે. અત્યાર સુધીમાં 5 કાળિયારના મોત થયા છે. જેમાં ડૂબી જવાથી 2 અને શ્વાનના હુમલામાં 3 એમ કુલ 5 કાળિયારના મોત થયા છે.