ભાવનગર: ચકચારી ડમીકાંડ સામે આવ્યા બાદ સરકાર સફાળી જાગી અને ફરિયાદ બાદ પોલીસ તંત્ર દ્વારા એસઆઇટીની નિમણૂક કરવામાં આવી હતી. ડમી વિદ્યાર્થી બેસાડી સરકારી નોકરી મેળવવા મોટું કૌભાંડ ચાલતું હતું. ડમીકાંડ ઉપરથી વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પડદો ઉચક્યો હતો. ત્યારબાદ નોંધાયેલી પોલીસ ફરિયાદ પછી એસઆઇટીની નિમણૂક બાદ એક બાદ એક ડમી અને વિદ્યાર્થીઓની અટકાયતનો દોર શરૂ થયો હતો. ત્યારે હાલમાં જેલમાં રહેલા આરોપીઓને પગલે જામીન અરજીઓ થવા પામી હતી. કોર્ટ દ્વારા મોટી સંખ્યામાં આરોપીઓની કોર્ટ દ્વારા જામીન અરજીઓ મંજૂર કરવામાં આવી છે.
ફરિયાદ ક્યાં નોંધાઇ: ગુજરાતના વિદ્યાર્થી નેતા કહેવાતા યુવરાજસિંહ જાડેજા દ્વારા સરકારી ભરતીની નોકરી માટે બંને ડમી વિદ્યાર્થીઓ બેસાડવામાં આવતા હોવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. ત્યારબાદ એકશનમાં આવેલી સરકારે તાત્કાલિક ધોરણે પગલાં ભર્યા હતા. ભાવનગરના ભરતનગર પોલીસ સ્ટેશનમાં ડમીકાંડને પગલે ફરિયાદ નોંધાવી હતી. જેમાં આશરે 30 થી વધુ શખ્સોની સામે છેતરપિંડી કરીને સરકારી નોકરી મેળવી હોવાના પગલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. આથી પોલીસ દ્વારા સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
ડમીકાંડ બાદ તોડકાંડ અને પકડાયેલા આરોપી: ભાવનગરના ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ નિમાયેલી એસઆઇટીની ટીમ દ્વારા અંદાજે 72 જેટલા ડમી અને વિદ્યાર્થીઓને ઝડપવામાં આવ્યા હતા. જો કે આ ડમીકાંડમાં તોડકાંડ થયો હોવાની પણ એક ફરિયાદ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. જેમાં ડમીકાંડને ઉજાગર કરનાર યુવરાજસિંહ જાડેજાને તોડકાંડના મુખ્ય આરોપી તરીકે દર્શાવાયા છે. યુવરાજસિંહ જાડેજા સાથે અન્ય શખ્સોના પણ નામ પણ તોડકાંડમાં નોંધાયા છે. 72 પૈકી અગાઉ આઠ જેટલા આરોપીઓએ જામીન મેળવેલી લીધેલા છે, ત્યારે ભાવનગર જિલ્લા કોર્ટમાં 42 જેટલા આરોપીઓને એક સાથે જામીન મળ્યા છે.
કોર્ટમાં મળ્યા જામીન પણ શરતો શુ મુકાઈ: સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ ભાવનગર જિલ્લા કોર્ટમાં આશરે ચાર થી પાંચ વકીલો મારફત 39 જેટલી અરજીઓ જામીન અરજી માટે થઈ હતી. અલગ અલગ વકીલ મારફત થયેલી અરજીઓમાં 42 જેટલા આરોપીઓને કાયમી જામીન મંજૂર કરાયા છે. ત્યારે 42 પૈકીના એક આરોપીના વકીલ વિપુલ દેવમુરારીએ જણાવ્યું હતું કે અંદાજે ત્રણ થી ચાર વકીલો દ્વારા અરજી કરવામાં આવી હશે. અમે જામીન અરજીને જામીન માંગ્યા ત્યારે શરત મૂકવામાં આવી છે. જેમાં આરોપીએ ભારતની હદ છોડવી નહીં, પાસપોર્ટ પણ જમા કરાવી દેવો, મોબાઈલ નંબર બદલવો નહીં અને બદલે તો તેની જાણ કરવી તેમજ 20,000 કિંમતના જામીન મળવાપાત્ર થયા છે.દરેક મુદતમાં હાજર રહેવું વગેરે જેવી શર્ત રાખવામાં આવી છે.