- પત્નીએ જ પ્રેમીના હાથે કેન્સરગ્રસ્ત પતિની હત્યા કરાવી
- ખરોડ ગામ નજીકના અવાવરું મકાનમાં પતિની ઘાતકી હત્યા કરાઈ
- કાવતરા બાજ પત્ની અને પ્રેમીની પોલીસે કરી ધરપકડ
ભરૂચઃ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં બે હાથ જોડી જાણે પશ્ચાતાપ દેખાડતી મહિલાના દયામણા દેખાતા ભાવ છેતરી રહ્યા છે, અસલમાં તેણે એક રીઢા ગુનેગારને પણ મ્હાત આપે તે પ્રકારે પોતાના જ પતિની જ હત્યાનું ષડયંત્ર રચી ગુનાને અંજામ આપ્યો હતો.
મહિલાએ ધારી પોલીસ સ્ટેશનમાં પતિ દિલીપ બારૈયા લાપતા થયાની અને ત્યારબાદ અંકલેશ્વર નજીક અવાવરું મકાનમાંથી મૃતદેહ મળી આવ્યા બાદ 24 જૂનના રોજ અંકલેશ્વર આરોગ્ય કેન્દ્રમાં મૃતદેહની ઓળખ કરનાર હંસા ગુનાની માસ્ટર માઈન્ડ હશે તેનો પોલીસને જેતે સમયે સપને પણ ખ્યાલ ન હતો. ગજબનો આત્મવિશ્વાસ, ચાલબાજી અને ડ્રામાએ કાવતરા બાજ મહિલાને સહાનુભૂતિ અને દયા અપાવી હતી.
24 જૂનના રોજ નેશનલ હાઇવે 48ને અડીને ખરોડ નજીકના એક અવાવરું મકાનમાં મૃતદેહ હોવાની જાણ થતા, અંકલેશ્વર રૂરલ પોલીસ પહોંચી હતી. મૃતકની ઓળખ ન થાય તે માટે હત્યા બાદ મોં ઉપર પથ્થરના ઘા ઝીકાય હતા. મામલો હત્યાનો હોવાનું બહાર આવતા તપાસ તેજ કરાઈ હતી. જેમાં ક્રાઇમ બ્રાન્ચને પણ જોડવામાં આવી હતી. આખા રાજ્યના તમામ પોલીસ સ્ટેશનોમાં મૃતકનું વર્ણન મોકલતા ધારી પોલીસે બે દિવસ અગાઉ દિલીપ બારૈયા નામના લાપતા બનેલા વ્યક્તિનો મૃતદેહ હોવાની શંકા વ્યક્ત કરી દિલીપની પત્ની હંસાને અંકલેશ્વર મોકલતા હંસાએ દિલીપની મૃતદેહની ઓળખ કરી હતી.
દિલીપ એક કેન્સર પેશન્ટ હતો અને તે દવા લેવા સુરત સમયાંતરે જતો હોવાનું હંસાએ જણાવ્યું હતું. દિલીપ દારૂડિયો હોવાના બહાને તેને છોડી હંસા તેનો પ્રેમી ધનજી હિરપરા સાથે રહેવા લાગી હતી. પરંતુ લોકડાઉનના 3 મહિના ધનજીથી દૂર રહ્યા બાદ હવે તેને દિલીપ સાથે સંબંધ રાખવા ન હોવાથી પ્રેમી ધનજી પાસે હત્યા કરાવવાનું પ્લાનિંગ કર્યું હતું.
કાવતરાના ભાગરૂપે ધનજી દિલીપને અવાવરું મકાનમાં લઇ ગયો હતો, જ્યાં તેની હત્યા કરી ફરાર થઇ ગયો હતો. ધનજી અને હંસાના સતત સંપર્ક પોલીસને શંકા કરવા પ્રેરતા હતા. જેના આધારે બંનેની અલગ-અલગ પૂછપરછ કરવામાં આવતા હંસાએ ગુનાની કબૂલાત કરી લીધી હતી. પોલીસે આ ગુન્હામાં કાવતરાબાજ પત્ની અને તેના પ્રેમીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.