- ગૌચરની જમીનમાં આડેધડ ખોદકામ કરી માટીની ચોરી કરાઇ
- ગ્રામજનો કલેકટરને રજૂઆત કરી કાર્યવાહીની માગ કરી
- સરપંચ અને ડેપ્યુટી સરપંચ સામે આંગળી ચીંધાઈ
ભરુચઃ ભરુચ તાલુકાનાં નાંદ ગામે ગેરકાયદેે માટી ખનન થઈ રહ્યું હોવાનો ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. ગ્રામજનોએ કલેક્ટરને કરેલ રજૂઆતમાં આ સમગ્ર કૌભાંડમાં ગામના સરપંચ અને ડેપ્યુટી સરપંચ સામે આંગળી ચીંધી છે અને કાર્યવાહીની માગ કરી છે.
નાંદ ગામે મોટાપાયે રેતી ચોરીનું કૌભાંડ
ભૂમાફિયાઓ દ્વારા ગૌચરની જમીનમાં ગેરકાયદેે ખોદકામ કરી બે કિલોમીટર સુધીનો લાંબો રસ્તો બનાવી દેવામાં આવ્યો છે. જેનાથી ગામને ઘણું નુકશાન પહોચ્યું છે. આ અંગે ગ્રામસભામાં રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ જ કાર્યવાહી ન કરવામાં આવી હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યાં છે.
સરપંચ અને ડે.સરપંચની સંડોવણીનો આરોપ
ગ્રામજનો દ્વારા કરાયેલ રજૂઆતમાં ગામના સરપંચ અને ડેપ્યુટી સરપંચની ભૂમાફિયાઓ સાથે સાંઠગાંઠના પણ આક્ષેપ કરાયાં છે. ગામના સરપંચ અને ડેપ્યુટી સરપંચે ભૂમાફિયા પાસેથી લાખો રૂપિયા લઈ ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપ સાથે તેઓને તાત્કાલિક અસરથી હોદ્દા પરથી દૂર કરવાની માગ કરવામાં આવી છે.