અંકલેશ્વરઃ શહેરના AIA હોલ ખાતે આજે 'વાયબ્રન્ટ ગુજરાત, વાયબ્રન્ટ ભરુચ'કાર્યક્રમની શરુઆત કરવામાં આવી. આ કાર્યક્રમના શુભારંભે ગુજરાત સરકારના પ્રભારી પ્રધાન કુંવરજી હળપતિની ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે આ પ્રસંગે વાયબ્રન્ટ સમિટની મહત્વતા સમજાવી હતી. તેમણે વાયબ્રન્ટ સમિટને લીધે રોકાણ ગુજરાતમાં આવી રહ્યું છે અને તેના પરિણામે યુવકો અને યુવતિઓને રોજગારી મળી રહી છે તેમ જણાવ્યું હતું.
વાયબ્રન્ટ ગુજરાત વાયબ્રન્ટ ભરુચઃ વર્ષ 2003થી ગુજરાતમાં તત્કાલીન મુખ્ય પ્રધાન અને વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વાયબ્રન્ટ ગુજરાત સમિટની શરુઆત કરી હતી. આ અભિનવ પ્રયોગને રાજ્ય સરકારે જિલ્લા કક્ષાએ લઈ જવાનું નક્કી કર્યુ છે. જે સંદર્ભે વાયબ્રન્ટ ગુજરાત, વાયબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. જે અંતર્ગત આજે 'વાયબ્રન્ટ ગુજરાત, વાયબ્રન્ટ ભરુચ' કાર્યક્રમ અંકલેશ્વર ખાતે શરુ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગુજરાત સરકારના પ્રભારી પ્રધાન કુંવરજી હળપતિ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ વિશેઃ કાર્યક્રમનો પ્રારંભ પ્રાર્થનાથી કરવામાં આવ્યો હતો. મહાનુભાવોના હસ્તે દીપપ્રાગટ્ય તેમણે ભરૂચની ઓળખ સમાન સુઝની ખેસ અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પ્રભારી પ્રધાન કુંવરજી હળપતિ પ્રાસંગિક ઉદ્દબોધન પણ કર્યુ હતું. તેમણે વાયબ્રન્ટ સમિટમાં ભરૂચ જિલ્લામાં કુલ રુપિયા ૧૮,૦૮૬ કરોડ જેટલી માતબર રકમના ૨૫૦ MOU સાઈન થયા હોવાનું જણાવ્યું હતું. આ એમઓયુને પરિણામે રોજગારીની તકો વધવાનો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો.
રાજ્યમાં સૌથી વધુ ઔધોગીક એકમો ધરાવતા જિલ્લા તરીકે પ્રખ્યાત એવા ભરૂચ જિલ્લાને પણ 'વાયબ્રન્ટ ગુજરાત, વાયબ્રન્ટ ભરુચ' સમિટનો સૌથી વધુ લાભ થશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. વાયબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ સમીટ દ્વારા આ જિલ્લો ઔધાગિક ક્ષેત્રે વધુ પ્રગતિ કરશે. વર્ષ ૨૦૪૭ના વિક્સિત ભરૂચનો પાયો આજના કાર્યક્રમ દ્વારા નંખાયો છે...કુંવરજી હળપતિ, પ્રભારી પ્રધાન, ગુજરાત સરકાર
ઉપસ્થિત મહાનુભાવોઃ આ પ્રસંગે પ્રભારી પ્રધાન કુંવરજી હળપતિ સિવાય ધારાસભ્ય ડી. કે. સ્વામી, જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદીયા, લધુ ઉદ્યોગ ભારતીના પ્રમુખ બલદેવભાઈ પ્રજાપતિ,ઝઘડિયા-અંકલેશ્વર ઈન્ડસ્ટ્રિઝ એસોસિયેશનના પ્રમુખ અશોક પંજવાણી, જશુભાઈ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી પી. આર. જોષી, નિવાસી અધિક કલેકટર એન. આર. ધાધલ, ઉદ્યોગ સાહસિકો અને ઔધોગિક એકમોના વિવિધ એસોસિયેશનના હોદ્દેદારો તથા મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં.