ભરૂચ : નર્મદા નદી પર અંગ્રેજ શાસનમાં માર્ગ પરિવહન માટે સર જોન હોક્શોની રુપરેખા મુજબ 7 ડીસેમ્બર 1877ના રોજ બ્રિજ બનાવવાની શરૂઆત થઇ હતી. તે સમયે 45.65 લાખના ખર્ચે બનાવાયેલા બ્રિજને 16 મે 1881ના દિવસે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. માત્ર રીવેટના ઉપયોગથી બનેલા સવા કીમી લાંબા ગોલ્ડનબ્રિજે આજે 139 વર્ષ પુર્ણ કર્યા છે.
ગોલ્ડનબ્રિજનું 2012માં રંગરોગાન કરાવાયું હતું અને તેની પાછળ 2.50 કરોડનો ખર્ચ કરાયો હતો. 137 વર્ષથી ગોલ્ડનબ્રિજ ભરૂચ અને અંકલેશ્વર ઉપરાંત મધ્ય અને દક્ષિણ ગુજરાત વચ્ચે લાઇફલાઇન બની રહ્યો છે.
આ ગોલ્ડન બ્રિજે ઘણા પૂર અને ભૂકંપ જેવી કુદરતી આફતો સામનો કર્યો છે. છતાં આજે પણ આ બ્રીજ અડીખમ ઉભો છે. આ પુલ 1860ની સાલમાં બંધાવા માંડ્યો તે 1877 સુધીમાં અને ત્યાર બાદ મજબૂત પુલ બંધાયો તે સહિત આ પુલ પાછળ આશરે રૂ.85,93,400નો ખર્ચ થયો હતો.
જૂનો પુલ સ્થિર કરવા પાછળ એ જમાનામાં જે ખર્ચ થતો રહ્યો તે ખર્ચમાં સોનાનો પુલ બંધાય જાત આથી આ પુલ "સોનાનો પુલ" તરીકે ઓળખાય છે.