અંક્લેશ્વરમાં પરિણીતાના મૃતદેહને સ્મશાનમાંથી પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડવાના મામલામાં પરિણીતાના પતિએ જ તેની હત્યા કરી હોવાનો ચોકાવનારો ખુલાસો થતા પોલીસે પતિની ધરપકડ કરી હતી.
અંક્લેશ્વરના હસ્તિતળાવ સિદ્ધેશ્વર સોસાયટી ખાતે રહેતાં નંદકિશોર શર્માની પત્નીનું અપમૃત્યુ થતાં તેની સ્મશાનવિધી વેળાંએ મૃતકના ભાઇએ બનેવીની છાતી પર અન્ય યુવતિનું નામ જોતા, બનેવીએ બેનની હત્યા કરી હોવાની શંકાએ તેણે ફરિયાદ નોંધાવતાં પોલીસે તેનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.
દરમિયાનમાં રિપોર્ટ આવતાં પરીણિતાનું ગળું દબાવીને હત્યા કરાઇ હોવાનો ખુલાસો થતાં પોલીસે નંદકિશોરની ઉલટ તપાસ શરૂ કરતાં તેણે આખરે હત્યાનો ગુનો કબુલ્યો હતો. તેના અન્ય યુવતિ સાથે સંબંધ હોવાનું બહાર આવ્યું હતું. લગ્નેતર સંબંધમાં દંપતિ વચ્ચે ઝઘડો થતો હોવા સાથે આર્થિક સમસ્યાને લઇ અવાર-નવાર ઝગડા થતા હોવાની તેણે કબુલાત કરી હતી, પત્ની દ્વારા ગુરુવારના રોજ રૂપિયાની માંગણી કરતા બંને વચ્ચે ઝગડો થયો હતો. જે ઝગડામાં આવેશમાં આવી ગળું દબાવી હત્યા કરી હોવાની પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી.