ભરૂચ: રાજ્યસભાની ચૂંટણીમાં ભારતીય ટ્રાયબલ પાર્ટીના 2 ધારાસભ્યોએ મતદાન કર્યું નથી. આડકતરી રીતે તેમણે ભાજપને સમર્થન આપ્યુ છે. બીટીપીના આ વલણ બાદ ભરુચ જિલ્લા પંચાયતમાં બીટીપી અને કોંગ્રેસના ગઠબંધન પર લટકતી તલવાર ઉભી થઈ છે. બીટીપીના ધારાસભ્ય છોટુભાઈ વસાવા અને મહેશ વસાવાએ મતદાન કરવાનું ના કહી દીધા બાદ ભરૂચ જિલ્લા પંચાયતમાં બન્ને પક્ષ વચ્ચેનું ગઠબંધન તૂટવાની અફવાએ જોર પક્ડયુ છે. જો કે, ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે સ્પષ્ટ કર્યુ હતું કે, રાજ્યસભાની ચૂંટણીની અસર ભરૂચ જિલ્લા પંચાયતના ગઠબંધન પર નહીં પડે.
રાજ્યસભાની ચૂંટણીમાં ભારે ધમાસાણ બાદ ભરૂચની ઝઘડીયા બેઠકના BTPના ધારાસભ્ય છોટુ વસાવા અને નર્મદા જિલ્લાની ડેડીયાપાડા બેઠકના ધારાસભ્ય મહેશ વસાવાએ મતદાનનો બહિષ્કાર કર્યો હતો. તેમણે ભાજપ અને કોંગ્રેસ બન્નેમાંથી કોઈને સપોર્ટ કર્યો નહોતો. ભાજપ અને કોંગ્રેસ દ્વારા આખરી સમય સુધી બન્ને ધારાસભ્યોને મનાવવા ધમપછાડા કરવામાં આવ્યા હતા. જો કે, આદીવાસીઓનાં પ્રશ્નોને આગળ ધરી બન્ને ધારાસભ્યો એક ના 2 થયા નહોતા અને મતદાનથી અળગા રહ્યા હતા.
બન્ને ધારાસભ્યોનો આ નિર્ણય ભાજપને ફાયદો કરાવનારો હોવાનું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે, ત્યારે ગત 5 વર્ષથી ભરૂચ જિલ્લા પંચાયતમાં ચાલતું કોંગ્રેસ અને ભારતીય ટ્રાયબલ પાર્ટીના શાસનનું કોકડું ગૂંચવાઈ એવી ચર્ચા ઉઠી છે. કુલ 34 બેઠકો ધરાવતી ભરૂચ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનાં 13, ભાજપના 12 અને ભારતીય ટ્રાયબલ પાર્ટીના 9 સભ્યો છે. જેમાં પ્રમુખ જશુબેન કોંગ્રેસના છે અને ઉપ-પ્રમુખ અનીલ ભગત BTPના છે. જે છોટુભાઈ વસાવાના નજીકના છે. તેઓ કોંગ્રેસના નિશાન પર ધારાસભ્યની ચૂંટણી પણ લડી ચૂક્યા છે.
કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલ અને ભારતીય ટ્રાયબલ પાર્ટીના છોટુ વસાવાના પ્રયાસોથી ભરૂચ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ અને BTPનું શાસન છે, પરંતુ રાજ્યસભાની ચૂંટણીમાં છોટુ વસાવા અને મહેશ વસાવાએ મતદાનનો બહિષ્કાર કરી ભાજપને આડકતરી રીતે ફાયદો કરાવ્યો હોવાના સમીકરણો બહાર આવતા હવે ભરૂચ જિલ્લા પંચાયતમાં પણ ગઠબંધન તૂટે એવી ચર્ચા ચાલી રહી છે. જો કે, આ અંગે ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણાએ જણાવ્યું હતું કે, રાજ્યસભાની ચૂંટણીની અસર ભરૂચ જિલ્લા પંચાયતના ગઠબંધન પર નહીં જોવા મળે અને ગઠબંધન યથાવત જ રહેશે. હવે ટર્મ પૂર્ણ થવાને આરે માત્ર 6 મહિના જ બાકી છે, ત્યાેરે રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન નહીં કરવાનો નિર્ણય બન્ને ધારાસભ્યોનો અંગત છે
આ અંગે ભરૂચ જિલ્લા પંચાયતના ઉપ-પ્રમુખ અને ભારતીય ટ્રાયબલ પાર્ટીના અનીલ ભગતે જણાવ્યું હતું કે, આની કોઈ પણ અસર જિલ્લા પંચાયતના ગઠબંધન પર પડશે નહીં. ભરૂચ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ અને BTPનું ગઠબંધન યથાવત જ રહેશે.
આ અંગે ભરૂચના રાજકરણને સારી રીતે સમજતા પત્રકાર દિગ્વિજય પાઠકે ETV BHARAT સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ અગાઉની ચૂંટણીઓમાં પણ કોંગ્રેસ અને BTP વચ્ચે ગજગ્રાહ જોવા મળ્યો હતો, પરંતુ સ્થાનિક કક્ષાએ તેની કોઈ અસર જોવા મળી નથી.
સ્થાનિક મુદ્દાઓ પર BTP અને કોંગ્રેસ સરખા મુદ્દે લડત આપી રહ્યું છે અને આ વખતે પણ આદિવાસીઓના મુદ્દે BTP મત આપવાથી અળગું રહ્યું છે. જેથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના ગઠબંધનમાં કોઈ ખાસ અસર પડે એમ લાગતું નથી. આ ઉપરાંત આમ પણ ભરૂચ જિલ્લામાં કોંગ્રેસ વર્ષોથી સત્તામાંથી દૂર રહ્યું છે, ત્યારે જિલ્લા પંચાયતનું ગઠબંધન તોડવાનું તેમને પોષાય એવું પણ નથી.