આ શાળામાં બાળકોને શિક્ષણ ઉપરાંત કુદરતી સ્ત્રોતની મદદથી સારું અને સ્વસ્થ જીવન કેવી રીતે જીવી શકાય તેનું જ્ઞાન પણ આપવામાં આવે છે. સરકારી શાળાનો ઉલ્લેખ થાય એટલે લાલિયાવાળી, બાળકોની પાંખી હાજરી અને શિક્ષણના નીચા સ્તરનો ઉલ્લેખ થાય, પરંતુ આ શાળાએ પોતાની અલાયદી શિક્ષણ પદ્ધતિથી આખાદેશના શિક્ષણવિદોનું પોતાના તરફ ધ્યાન ખેંચ્યું છે. ખંભાતના અખાતના કાંઠે આવેલી આંકલવા પ્રાથમિક શાળા ખારપટની જમીન ઉપર બનેલી ગ્રીન શાળા છે. જે જમીન ઉપર માત્ર બાવળ સિવાય કંઈ પણ ઉગી શકતું નથી ત્યાં યુવાન શિક્ષક હિરેન પટેલે 12 વર્ષની જહેમતથી બાગ બગીચા અને હરિયાળું વાતાવરણ સર્જ્યું છે.
શાળામાં માત્ર હરિયાળી જ નહીં, સાથે જ કુદરતી સ્ત્રોતનું મહત્વ અને ઉપયો કરીને બાળકો જાણી શકે તે માટે અલાયદા પ્રોજેક્ટ પણ તૈયાર કરાયા છે, જેના કારણે શાળામાં બાળકોની દરેક વર્ગમાં 100 ટકા હાજરી જોવા મળે છે. શાળાથી બાળકોને એટલો લગાવ છે કે બાળકો અભ્યાસના સમયથી વહેલા શાળામાં પહોંચી જાય છે. શાળામાં બાળકોના અલગ અલગ જૂથ બનાવાયા છે જે મુજબ દરેક ટીમ વેસ્ટ મેજેમેન્ટ , વોટર મેનેજમેન્ટ, ગ્રેનરી મેનેજમેન્ટ , ફાર્મિંગ , પક્ષીઓની શાળા સંકુલમાં સારી સંખ્યા રહે તેવા વાતાવરણનું નિર્માણ જેવા પ્રોજેક્ટમાં પોતાને સોંપાયેલી કામગીરીમાં લાગી જાય છે.
શાળાનો સૌથી રસપ્રદ પ્રોજેક્ટ સંકુલમાં પક્ષીઓની વધુ હાજરી રહે તેનો છે. શાળામાં દરેક વૃક્ષ ઉપર પક્ષી ઘર અને પક્ષી ચિત્રો લગાવાયા છે. પક્ષીઓ માટે ખોરાક અને અનુકૂળ વાતાવરણની જાળવણી પક્ષીઓને આકર્ષે છે. આજ સ્થળે ગ્રીન લાઈબ્રેરી બનાવાઈ છે .આ ગામે શાળાની આર્થિક સધ્ધરતા મળી રહે તે માટે ખેતીની મળતી તમામ સબસીડી શાળાના વિકાસ માટે આપી રહ્યું છે.
શિક્ષણ માત્ર પુસ્તકોથી નહિ પરંતુ પુસ્તકોમાં દર્શાવેલા જ્ઞાન અને સ્ત્રોતના પ્રાયોગિક ઉપયોગથી આપવા શાળાએ અલાયદા પ્રોજેક્ટ તૈયાર કર્યા છે, જેના કારણે ઇન્ડિયન ગ્રીન બિલ્ડીંગ કાઉન્સિલ દ્વારા શાળાને દેશની નંબર વન ગ્રીન સ્કૂલ તરીકે સન્માનિત કરવામાં આવી છે.