ભરૂચઃ સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ પામેલી માતાને ઉઠાડવા ૩ વર્ષીય બાળકી નિર્દોષ પ્રયત્ન કરી રહી હતી. પિતાની છત્રછાયા ગયા બાદ માતાની મમતા પણ બાળકી પાસેથી છીનવાઈ હતી. પરિવારજનો ન આવતા સામજિક કાર્યકર ધર્મેશ સોલંકીએ અંતિમ ક્રિયાની જવાબદારી સ્વીકારી માનવતાની મહેક પ્રસરાવી હતી.
ભરૂચ સિવિલ હોસ્પિટલનો એક બેડ, બેડ પર મહિલાનો મૃતદેહ અને મૃતદેહ પાસે રમી રહેલી બાળકી...
આ બાળકી બીજી કોઈ નહિ પરંતુ મૃત્યુ પામેલી મહિલાની દીકરી છે. ૩ વર્ષની બાળકી પ્રીન્સી તેની માતાના મોતથી અજાણ છે. પરંતુ તેને એક આશા છે કે, તેની માતા ગાઢ નિંદર માણી રહી છે. એ હમણા ઉઠશે તેને વ્હાલ કરશે. પાણી પીવડાવશે અને ખાવાનું પણ ખવડાવશે, પરંતુ નિર્દોષ પ્રીન્સીને ક્યાં ખબર છે કે, વિધિની વક્રતા કારણે હવે તેની માતા ક્યારેય પણ ઉઠશે નહિ. બાળકીએ પહેલેથી જ પિતાની છત્રછાયા ગુમાવી હતી અને હવે માતાની મમતા પણ છીનવાઈ ગઈ છે .બાળકીના જીવનમાં આવેલા આ અણધાર્યા અંધકારને તે જાણ વગર જ ચરિતાર્થ કરતી હોય એમ સિવિલ હોસ્પિટલનાં વોર્ડની લાઈટ પણ બંધ કરી અંધકારને સહજતાથી અપનાવી રહી હોય એવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.
મૃત માતા સામે રમી રહેલી બાળકીના આ દ્રશ્યો જોઈ જાણે યમરાજા પર પણ કેસ કરવાનું મન થઇ જાય. ભરૂચના દાંડિયા બજાર વિસ્તારમાં રહેતી મહિલાની તબિયત લથડતા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જો કે આજે સવારે તેણે અંતિમ શ્વાસ લીધા હતા. પતિના મૃત્યુ બાદ પરિવારજનો પણ અંતિમ ઘડીએ ન આવતા અંતિમ સંસ્કાર માટે મહિલાનો મૃતદેહ વાટ જોઈ રહ્યો હતો, ત્યારે એક સામાજિક કાર્યકરે અંતિમ સંસ્કારની જવાબદારી સ્વીકારી છે અને બાળકીને બાળ સંરક્ષણ ગૃહમાં મૂકવાની પણ તૈયારી બતાવી છે. કોઈની સામે કુદરત આટલી હદે કઠોર તો ન થવી જ જોઈએ. જો કે હવે આ બાળકી પ્રીન્સીને કોઈ ની:સંતાન યુગલ સ્વીકારી સાચા અર્થમાં રાજકુમારીની જેમ ઉછેરે એ જ સમાજને અપીલ છે, તો બીજી તરફ ધર્મેશ સોલંકી જેવા સાચા અર્થમાં સામાજિક સેવા કરનાર યુવાનને સો સો સલામ...