- અંકલેશ્વરની IIFL ફાયનાન્સ કંપનીમાં રૂ. 3 કરોડની લુંટનો ભેદ ઉકેલાયો
- પોલીસે ચાર આરોપીઓની કરી ધરપકડ
- સીસીટીવી ફૂટેજ તેમજ ટેકનોલોજીની મદદથી આરોપીઓ ઝડપાયા
ભરૂચ: અંકલેશ્વર 3 રસ્તા સર્કલ નજીક તારીખ 9 નવેમ્બરનાં રોજ IIFL ફાયનાન્સ કંપનીમાં ચાર જેટલા ઇસમોએ બંદુકની અણીએ રૂ.3.32 કરોડની લુંટ ચલાવી હતી. આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે એડી ચોટીનું જોર લગાવ્યું હતું અને તેમાં પોલીસને મોટી સફળતા મળી હતી. પોલીસને સૌ પ્રથમ આ ગુનામાં સંડોવાયેલી સ્વીફ્ટ કારનો નંબર મળતા તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. અને આ કનેક્શન સુરત મળ્યું હતું જેના આધારે પોલીસે સુરત ખાતે તપાસ હાથ ધરી હતી અને ચાર આરોપીઓ મોહસીન ઈમ્તિયાઝ ગુલામ મુસ્તુફા મલેક, મોહમદ અલી હુસેન ગુલામ નાખુદા, મોહસીન મુસ્તુફા જીલાની ખલીફા, તથા સલીમ અબ્દુલ સિદ્દીક ખાનને ઝડપી પાડ્યા હતા.
કેવી રીતે ચલાવી હતી લુંટ?
લુંટને અંજામ આપવા માટે મોહસીન ઈમ્તિયાઝ ગુલામ મુસ્તુફા તથા સલીમે પ્લાન બનાવ્યો હતો અને અન્ય બે વ્યક્તિઓની જરૂર હોઈ તે બે માણસો શોધી તેઓને તેઓનો રોલ સમજાવવામાં આવ્યો હતો. લુંટ વખતે સલીમે બંદુક બતાવી સ્ટાફને ડરાવવાનો હતો તો મોહમ્મદ અલીએ ગેટ ઉપર ઉભા રહી કોઈ અંદર ન આવે તેનું ધ્યાન રાખવાનું હતું. મોહસીન ખલીફાએ સ્ટાફને બાંધવાનું કામ કરવાનું હતું તો મોહસીન મલેકે તિજોરીમાંથી સોનાના દાગીના લેવાના હતા. તમામને પોતપોતાનું કામ સમજાવ્યા બાદ આ લુંટ ને અંજામ આપવામાં આવ્યો હતો.
ચાર પૈકી બે ઇસમો ધરાવે છે ગુનાહિત ભૂતકાળ
આ ચાર પૈકી મોહસીન ઈમ્તિયાઝ ગુલામ મુસ્તુફા વર્ષ 2011 માં વાપી ખાતે IIFL કંપનીમાં રીકવરી મેનેજર તરીકે ફરજ બજાવી ચુક્યો છે જેથી તે આ કંપનીની કામ કરવાની સ્ટાઈલથી વાકેફ હતો તે અગાઉ એક ગુનામાં પણ ઝડપાઈ ચુક્યો છે. તેને અન્ય એક ગુનાહિત ભૂતકાળ ધરાવતા મોહસીન મલેક સાથે સંપર્ક કરી આ લુંટને અંજામ આપ્યો હતો. સલીમના વિરુદ્ધ સુરત, ચીખલી અને પલસાણા ખાતે કુલ ચાર ગુનાઓ નોંધાયા છે જેમાં પ્રોહીબીશન ચોરી તેમજ મારામારીનાં ગુનાઓ છે. તો મોહસીન ખલીફાના વિરુદ્ધ એક વાહન ચોરીનો ગુનો સુરત ખાતે નોંધાયો છે.
રૂ. 2 કરોડનો મુદ્દામાલ કબજે
પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી 5863.69 ગ્રામ સોનું કીમત રૂ. 2,52,22,557 રોકડા રૂ. 13,53,050 મળી કુલ 2 કરોડ, 73 લાખ 46 હજાર 307 નો મુદ્દામાલ કબજે કર્યો છે. અને હજુ 700 ગ્રામ સોનું 18 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરવાનો બાકી છે.
ચીખલીનો એક ગુનો પણ ઉકેલાયો
ચાર પૈકી ઝડપાયેલ આરોપી મોહસીન ઈમ્તિયાઝ મલેક અને સલીમ સિદ્દીક ખાને 3 વર્ષ અગાઉ નવસારીના ચીખલી ગામ ખાતે પણ IIFL માં લુંટ ચલાવી હતી જે ગુનો પણ ઉકેલાયો છે.