ભરૂચ સીટીઝન કાઉન્સિલ દ્વારા જિલ્લા વહીવટી તંત્ર, સામાજિક વનીકરણ વિભાગના સહયોગ અને માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર ગડખોલ પાટિયા (સામ્રાજ્ય સોસાયટી)થી ગોલ્ડન બ્રિજના અંકલેશ્વર તરફના છેડા સુધી જુના નેશનલ હાઇવે નં-8 અને રેલવે ટ્રેકની વચ્ચેની જગ્યામાં મેગા વૃક્ષારોપણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 4 KMના વિસ્તારમાં વનીકરણ કરવામાં આવશે.
આ પ્રોજેક્ટનો આજે પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે કલેકટર ડો.અમ.ડી મોડીયા, પ્રાંત અધિકારી રમેશ ભાગોરા, ભરૂચ સીટીઝન કાઉન્સિલના પ્રમુખ જીવરાજ પટેલ, સેક્રેટરી હરીશ જોશી, કમલેશ ઉદાણી, આર્કિટેક ચિરાગ વડગામા, નીતિન ભટ્ટ ઉદ્યોગ મંડળના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતાં.
ભરૂચ સીટીઝન કાઉન્સિલનો આ પ્રોજેક્ટ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે, આ વિસ્તાર જે હાલમાં ફાજલ પડી રહ્યો છે. તેમાં વધુને વધુ વૃક્ષોની વાવણી કરવામાં આવે અને તેનું જતન કરવામાં આવે. આ ગડખોલથી ગોલ્ડન બ્રિજ સુધીનો પટ્ટો ગ્રીન બેલ્ટ તરીકે વિકાસ કરવામાં આવશે. વૃક્ષોની પસંદગી કરવામાં આવી છે કે, વધુને વધુ પક્ષીઓ પણ તેના તરફ આકર્ષાય અને તેઓનું મોટું આશ્રયસ્થાન બની શકે.
આ પ્રોજેક્ટને તબક્કાવાર હાથ ધરવામાં આવ્યો છે. આગામી કેટલાક સમયમાં આ પ્રોજેક્ટ અંતર્ગત વધુને વધુ વૃક્ષો વાવવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. પ્રથમ તબક્કામાં 400 મીટર જેટલી જગ્યાને લીલુંછમ બનાવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવશે. આ માટે પાનોલીની પી.આઈ ઇન્ડસ્ટ્રીઝ, ઈશાગ્રો તથા પ્રજ્ઞા લાઈફ સાયન્સ કંપની દ્વારા યોગદાન આપવામાં આવ્યું હતું.