- 10 લાખની મર્યાદા હોવા છતાં કમિશનરની મંજૂરી વિના ઠરાવ કરી કારની ખરીદી કરી હતી
- 5 નવેમ્બરે મામલાની સુનાવણી યોજાશે
- ભાજપના 19 સભ્યોને મ્યુન્સિપલ કમિશનરે નોટિસ ફટકારી
ભરૂચ : વર્ષ 2017માં અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ માટે કાર ખરીદવાના મામલે પ્રમુખ અને ઉપપ્રમુખ સહિત ભાજપના 19 સભ્યોને ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનરે નોટિસ ફટકારી સસ્પેન્ડ કેમ ન કરવા તેનો જવાબ માગ્યો છે. જે કારણે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે.
- પૂર્વ મંજૂરી વિના જ રૂપિયા 10 લાખથી વધુની કિંમતની કાર ખરીદવામાં આવી
અંકલેશ્વર નગર સેવા સદનની વર્ષ 2017ની 30 જાન્યુઆરીએ સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં પ્રમુખ માટે નવી કાર ખરીદી કરવા ઠરાવ કરવામાં આવ્યો હતો. આ ઠરાવને શાસક પક્ષ એવા ભાજપના 19 સભ્યોએ બહાલી આપી હતી. જો કે, અ અને બ વર્ગની નગરપાલિકા માટે રૂપિયા 10 લાખની મર્યાદમાં પૂર્વ મંજૂરી મેળવીને કાર ખરીદવાનો નિયમ હોવા છતાં પૂર્વ મંજૂરી વિના જ રૂપિયા 10 લાખથી વધુની કિંમતની કાર ખરીદવામાં આવી હતી.
- વિપક્ષ કોંગ્રેસના નેતા ભુપેન્દ્ર જાનીએ કેસ કર્યો
આ બાબતે વિપક્ષ કોંગ્રેસના નેતા ભુપેન્દ્ર જાનીએ કેસ કર્યો હતો. જેના ચૂકાદામાં ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનરે પ્રમુખ અને ઉપપ્રમુખ સહિત ભાજપના 19 સભ્યોને મ્યુનિસિપલ કમિશનરે નોટિસ ફટકારી સસ્પેન્ડ કેમ ન કરવા તેનો જવાબ માંગ્યો છે. આ મામલે તારીખ 5 નવેમ્બરે જવાબ રજૂ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. વિપક્ષના નેતા ભુપેન્દ્ર જાનીએ આ ચૂકાદાને આવકાર્યો છે.
- 5 નવેમ્બરે સુનાવણી હાથ ધરશે
આ બાબતે અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ દક્ષાબહેન શાહનો સંપર્ક કરાતા તેમને ટેલિફોનિક વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, આ મામલે હજૂ 5 નવેમ્બરે સુનાવણી હાથ ધરવામાં આવશે. જેમાં તેમના દ્વારા જરૂરી દસ્તાવેજો અને જવાબો રજૂ કરવામાં આવશે.