- આલિયા બેટમાં હજુ સુધી કોરોનાનો એક પણ કેસ નથી નોંધાયો
- એક તરફ રાજ્યમાં કોરોનાનો હાહાકાર તો બીજી તરફ આ વિસ્તારના લોકો ભયમુક્ત
- કુદરતના ખોળે વસેલા આલીયા બેટ ખાતે રહેતા રહીશોની જાગૃતતાએ તેઓને કોરોનાથી દુર રાખ્યાં
ભરૂચઃ કોરોનાની મહામારીએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી દીધો છે અને માનવ વસ્તી પર જોખમ ઉભું કર્યું છે. સેંકડો લોકો કોરોનાને કારણે જિંદગી સામે જંગ હારી રહ્યા છે, પરંતું હજું પણ કેટલાય એવા વિસ્તારો છે કે, જ્યાં હજુ સુધી કોરોનાનો એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી. જિલ્લાના હાંસોટ પાસે નર્મદા નદી અને અરબી સમુદ્રના સંગમ સ્થળે આવેલા આલીયાબેટમાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી. ત્યાના લોકોની સતર્કતાના કારણે કોરોના આ વિસ્તારમાં પોતાનો કહેર નથી વર્તાવી શક્યો. અરબી સમુદ્ર અને નર્મદા નદીના સંગમ સ્થળે નિર્જન સ્થળે આવેલા આલિયાબેટમાં કોરોનાની પ્રથમ અને આ બીજી ઘાતક લહેરમાં પણ કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી.
આ પણ વાંચોઃ ભરૂચમાં કોરોનાના કેસમાં વધારો, મૃત્યુદર ઘટતા રાહત
આ ગામમાં 450 થી 500 લોકોની છે વસ્તી
આલિયા બેટની સ્થિતિ અંગે ગ્રામજનોએ જણાવ્યું હતું કે, અહીં કોરોના સંક્રમણ તો દૂર પરંતુ કોઈને કોરોનાના લક્ષણો પણ નથી જણાયા. 450 થી 500 લોકોની વસ્તી ધરાવતા આલિયા બેટ પર કોરોના સંક્રમણ ન ફેલાવવાનું મુખ્ય કારણ એ છે કે, અહીંના લોકોની જાગૃતતા. ગામના મોટાભાગના લોકો ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને દિવસનો મોટા ભાગનો સમય બેટ પર જ વિતાવે છે. તેમજ દૂધ આપવા કે પછી પશુઓ માટે દાણ લેવા અથવા અન્ય કોઈ કામ માટે હાંસોટ સહિતના વિસ્તારોમાં જવાનું થાય ત્યારે ગ્રામજન બહારના લોકો સાથે દૂરથી જ સંપર્ક રાખે છે. માસ્ક અચૂક પહેરે છે અને બેટ પર આવ્યાં બાદ સ્નાન કરી અન્ય કામ કરે છે. ત્યારે ગ્રામજનો દ્વારા અન્ય લોકોને પણ કોરોનાની ગાઈડ લાઇનના તમામ નિયમો પાળવા અપીલ કરવામાં આવી છે.