ભરૂચઃ શહેરના કોલેજ રોડ પર નગરપાલિકાનું નામ લખેલા ટ્રેક્ટરે બાઈકને ટક્કર મારતા બાઈક સવાર બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં નવો જ ખુલાસો થયો હતો. પોલીસ અને RTOના દંડથી બચવા ટ્રેક્ટર ચાલકે નગરપાલિકાના નામનો ઉપયોગ કર્યો હોવાનું બહાર આવતા નગરપાલિકા દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવની તજવીજ હાથ ધરવામાં આવી છે.
ભરૂચના કોલેજ રોડ પર મંગળવારે સવારના સમયે ટ્રેક્ટર ચાલકે બાઈકને ટક્કર મારતા બાઈક પર સવાર બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા. તેઓને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. સ્થળ પર જોતા ટ્રેક્ટર પર નગરપાલિકા ભરૂચનો ઉપયોગ કરાયો હતો. આથી સંચાર માધ્યમોમાં નગરપાલિકાના ટ્રેક્ટરથી વધુ એક અકસ્માત થયો હોવાનું બહાર આવ્યું હતું.
આ મામલે તપાસ કરાતા નવો જ ઘટસ્ફોટ થયો છે. આ ટ્રેકટર ભરૂચ નગર સેવા સદનનું ન હોવાનું બહાર આવ્યું છે. જો કે, જાંબુઆનાં કોઈક વ્યક્તિના નામ પર આ ટ્રેકટર હોવાનો ખુલાસો થયો છે. ટ્રેક્ટર ચાલકે પોલીસ અને RTOના દંડથી બચવા નગરપાલિકાના નામનો ઉપયોગ કર્યો હોવાનું અનુમાન છે. નગરપાલિકા દ્વારા આ મામલામાં પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.