ભરૂચઃ શહેરના લીંક રોડ પર નગરપાલિકાના ટેન્કર ચાલકે સાયકલ સવાર બે બાળકોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં એક બાળકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું, જ્યારે બીજા બાળકને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત બાળકનું પણ સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.
આ બાળકો નારાયણ વિદ્યાલયના અંગ્રેજી માધ્યમમાં ધોરણ ચારમાં અભ્યાસ કરતા હતા. નારાયણ નગર-4 સોસાયટીમાં રહેતો જયરાજસિંહ ચોહાણ અને ભારતી રો હાઉસમાં રહેતો તેનો મિત્ર જિયાન જાદવ શનિવાર સવારના સમયે શહેરના લીંક રોડ પરથી સાયકલ લઈ પસાર થઇ રહ્યા હતા. આ દરમિયાન પુર ઝડપે આવતા નગરપાલિકાના ટેન્કર ચાલકે સાયકલને ટક્કર મારી હતી.
આ ટક્કરમાં બંને બાળકો માર્ગ પર પટકાયા હતા. આ અકસ્માતમાં જયરાજ ચોહાણનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે જિયાન જાદવને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જો કે, મોડી રાત્રે જિયાન જાદવનું પણ મોત નિપજયું હતું. આ તરફ ભરૂચ શહેર એ ડીવીઝન પોલીસે ટેન્કર ચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચના લીંકરોડ પર નગરપાલિકાના ટેન્કરની અડફેટે 10 વર્ષના બાળકનું મોત
ઉલ્લેખનીય છે કે, લીંક રોડ પર શમ્ભુ ડેરી પાસેનાં ક્રોસિંગ પર વર્ષોથી સ્પીડ બ્રેકર મુકવાની સ્થાનિકો માગ કરી રહ્યા હતા. જો કે, તંત્રના અધિકારીઓએ સ્થાનિકોની આ વાત કાને લીધી ન હતી. પુર ઝડપે ચલાવતા ટેન્કરની ટક્કરે બે-બે બાળકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. બીજી તરફ નગરપાલિકાનું ટેન્કર પણ અનફીટ હોવાનું બહાર આવ્યું છે, ત્યારે તંત્ર હવે શું પગલા ભરે છે, તે જોવું રહ્યું.