ભરૂચઃ જિલ્લામાં શુક્રવારે કોરોના વાઇરસના ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા છે. જો કે, ત્રણ પૈકી બે કેસ ભરૂચ જિલ્લામાં નોંધાશે નહીં. ભરૂચ શહેર અને જીલ્લામાં કોરોના વાઇરસનો કહેર દિનપ્રતિદિન વધી રહ્યો છે, ત્યારે આજે નવા ૩ પોઝિટીવ કેસ સામે આવ્યા છે.
અંકલેશ્વરના કાપોદ્ર પાટીયા વિસ્તારમાં આવેલા સમર્થ પાર્ક સોસાયટીમાં મુંબઈથી આવેલા અજય રાવલ અને મમતા રાવલને કોરોના પોઝિટિવ આવતા તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જો કે આ બન્ને વ્યક્તિઓ મુંબઈના રહેવાસી હોવાના કારણે તેઓના કેસ ભરૂચ જિલ્લામાં નોંધાશે નહીં.
આ તરફ બે દિવસ પૂર્વે ભરૂચની જંબુસર ચોકડી વિસ્તારમાં આવેલા ઇમરાન પાર્ક સોસાયટીમાં રહેતા યુનુસ પટેલને કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેમની પત્ની સરીફા પટેલનો પણ કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. જેઓને પણ કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવ્યું છે. આ મહિલાને સારવાર અર્થે અંકલેશ્વરની સ્પેશ્યિલ કોવિડ જયાબહેન મોદી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
વધુમાં ભરૂચ જિલ્લામાં અત્યાર સુધી કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 49 પર પહોંચી છે. જે પૈકી 3 દર્દીના મોત નિપજ્યા છે તો 34 દર્દીઓ સાજા થતા તેઓને રજા આપવામાં આવી છે. જિલ્લામાં કોરોના પોઝિટિવના એક્ટીવ દર્દીઓની સંખ્યા 12 છે.