ભરૂચ: જિલ્લામાં કોરોના વાઇરસના વધુ 3 પોઝિટિવ કેસ નોંધાયા છે. ભરૂચના ભોલાવમાં આવેલી હરિદ્વાર સોસાયટી, અંકલેશ્વરના ભાદી ગામ અને નેત્રંગમાં કોરોના વાઇરસનો એક-એક પોઝિટિવ કેસ સામે આવ્યો છે.
લોકડાઉન બાદ સરકાર દ્વારા અપાયેલી છૂટછાટમાં ભરૂચ જિલ્લામાં એક પછી એક નવા પોઝિટિવ કેસ બહાર આવી રહ્યા છે. આજે શનિવારે પણ ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલી હરિદ્વાર સોસાયટીમાં રહેતા 31 વર્ષીય નરેન્દ્ર સોલંકી, અંકલેશ્વરના ભાદી ગામમાં રહેતા 40 વર્ષીય કંચનબહેન વસાવા અને નેત્રંગનાં શ્રીજી ફળિયામાં 30 વર્ષીય ભાગ્યેશ પટેલને કોરોના રિપોર્ટ પોઝિટિવ હોવાનું બહાર આવતા તેઓને સારવાર અર્થે સ્પેશ્યિલ કોવિડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ સાથે ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 76 પર પહોંચી છે. જે પૈકી પાંચ દર્દીના મોત નીપજ્યા છે. તો 48 દર્દી સાજા થતા તેઓને રજા આપવામાં આવી છે. જિલ્લામાં કોરોનાના 23 કેસ એક્ટીવ છે. જે પૈકી 3 દર્દી વડોદરા ખાતે સારવાર લઇ રહ્યા છે.