ભરુચઃ કોરોનાના ભયભર્યા માહોલમાં સર્જાયેલાં લૉક ડાઉનમાં સામાજિક અંતર રાખીને વ્યવહાર કરવાની ઘંટડીઓ ચારે તરફ સંભળાઈ રહી છે. તેમાં ભરુચમાં બનેલ આ કિસ્સો સાચે જ માનવ હૃદયના તાર ઝંકૃત કરી મૂકે તેમ છે. કોરોનાની સ્થિતિમાં વડીલોની વિશેષ સારસંભાળની આવશ્યકતા છે તેને લઇને 5 એપ્રિલે ઈટીવી ભારત અમદાવાદનો કરુણા ટ્ર્સ્ટ દ્વારા થતી વડીલોની સેવાનો અહેવાલ પ્રસારિત થયો હતો.
આ અહેવાલે ભરુચ સ્થિત નર્મદા એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્ર્સ્ટના ટ્ર્સ્ટીને વિચારતાં કરી મૂક્યાં. તેમણે વડીલોનું ઘરમાં દિવસો કાઢી રહેલાં વૃદ્ધો માટે કંઇ કરવાનું વિચાર્યું અને વવાયું માનવતાનું બીજ અને સર્જાઈ અનોખી કહાની, જે સૌને આનંદિત કરે તેવી છે.
વડીલોનું ઘરમાં રહેતાં વડીલોમાંથી 10 વડીલોને તેમના પરિવારજનો પરત ઘરે લઇ ગયાં છે. ત્યારે સંસ્થાનો પ્રયાસ પણ સરાહનીય છે કે સમજાવટની પહેલ કરી. આપ જે દ્રશ્યો જોઇ રહ્યાં છો એ ભરુચના કસક વિસ્તારમાં આવેલ વડીલોનું ઘર નામના ઘરડાઘરના છે જ્યાં ૭૫ વડીલો રહે છે. લૉક ડાઉનની સ્થિતિમાં તેઓની કાળજી રાખવી સંસ્થાના સંચાલકો માટે કઠીન બની રહી છે. આ સ્થિતિમાં 90 દિવસ માટે વડીલોની સારસંભાળની જવાબદારી નર્મદા એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટે સ્વીકારી હતી. એવામાં ઈટીવીનો અહેવાલ તેમણે નિહાળ્યો અને એક સુંદર ઘટનાની કૂંપળ ફૂટી. આ વયસ્કોને તેમના પરિવારજનોની હૂંફ મળે એવા આશયથી ટ્રસ્ટના સભ્યોએ પરિવારજનોનો સંપર્ક કર્યો હતો.
કહે છે કે આશય સારો હોય તો પરિણામ પણ સારું મળી રહે છે એ ન્યાયે 10 વડીલોને તેમના પરિવારજનો પરત લઇ જવા સંમત થયાં અનેે તેઓ પોતાના ઘરની ફૂલવાડીમાં પરત પહોચી પણ ગયાં છે. કોરોના વાયરસ વૃદ્ધોની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાને લઇને ભારે અસર કરે છે ત્યારે ચેપથી બચાવવા માટે પરિવારજનોએ પણ તેઓને પરત સ્વીકાર્યા છે એ સરાહનીય બાબત કહી શકાય. ભરૂચની સામાજિક સંસ્થાના એક નાનકડા પ્રયાસથી જીવનની ઢળતી સંધ્યાએ પોતાના પરિવારની સુગંધ માણતાં વૃદ્ધો પોતીકાંઓ સાથે સમય વિતાવશે. બની શકે કે આ અહેવાલ વળી કોઇને પ્રેરણા પૂરી પાડે.