ભરૂચ : જિલ્લામાં કોરોના વાઇરસની દહેશત વચ્ચે કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં જિલ્લામાં 31મી માર્ચ સુધી લોકડાઉન આપવામાં આવ્યું છે. તો બીજી તરફ કલમ 144ના ભંગ બદલ પોલીસે 2 ગુના નોંધ્યા છે.
આ ઉપરાંત કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડી કોરોના વાઇરસને અટકાવવા માટે લોકડાઉન આપવામાં આવ્યું છે. જેમાં આગામી 31મી માર્ચ સુધીમાં તમામ દુકાનો, શો રૂમ, ખાણી પીણીની લારીઓ, સ્ટોલ, પાન મસાલા વેચતા લારી ગલ્લા ઠંડા પીણા, જ્યુસ સેન્ટર, ચાની કીટલીઓ, રેસ્ટોરન્ટ, ભોજનાલયો, મીઠાઈ ફરસાણની દુકાનો, સદંતર બંધ રહેશે. આ ઉપરાંત તમામ ધાર્મિક સ્થળો, બાગ બગીચા, કતલખાના બંધ રાખવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે.
આ જાહેરનામામાંથી આવશ્યક ચીજવસ્તુ, શાકભાજી, ફળફળાદી, કરિયાણાની પ્રોવિઝન સ્ટોર, દૂધ, દહીં, છાશનું વેચાણ કરતી ડેરી, મેડીકલ સેવાઓ આપતી સંસ્થાઓ, વીજળી, વીમા કંપનીઓ, ઈન્ટરનેટ, આઈ.ટી. સંબંધિત સેવાઓ, મીડિયા – સમાચાર પત્રોના કાર્યાલયો, ATM, બેંકો જેવી સંસ્થાઓ આ જાહેરનામામાંથી બાકાત છે. તો બીજી તરફ કલમ 144ના ભંગ બદલ ભરૂચ પોલીસે 2 ગુના નોધ્યા છે. જેમાં અંકલેશ્વરમાં એક સ્ટોર ખુલ્લો રહેતા એક ગુનો નોધાયો છે. તો બીજી તરફ ઝઘડિયામાં ટ્રકમાં 25 લોકો એક સાથે મુસાફરી કરતા ટ્રક ચાલક વિરુદ્ધ પણ ગુનો નોધવામાં આવ્યો છે.