- ભરૂચમાં વાવાઝોડા વચ્ચે યોજાયા લગ્ન
- પોલીસ અને તંત્રએ શેલ્ટર હોમમાં કરાવ્યા લગ્ન
- કોરોના ગાઈડ લાઈન મુજબ લગ્ન યોજાયા
ભરૂચઃ એક તરફ વાવાઝોડાના ગુજરાતે ભયાવહ દ્રશ્યો જોયા છે જ્યારે બીજી તરફ તૌકતેે વાવાઝોડાની દહેશત વચ્ચે હાંસોટ તાલુકાના કંટીંયાજળ ગામે નવદંપતીને પ્રભુતામાં પગલાં પાડવામા મદદ કરનારા વહીવટી તંત્ર અને પોલીસ તંત્રએ અનોખી માનવતાનો દાખલો બેસાડ્યો છે. તૌકતેે વાવાઝોડાની દહેશત વચ્ચે તાલુકાના પાંચ ગામો અને આલિયાબેટના 600 જેટલા અસરગ્રસ્તોને ગામની શાળાઓમાં ખસેડ્યાની કામગીરી કરી હતી. પરંતુ આ વચ્ચે એક અચંબિત ઘટના બની હતી. મંગળવારે કંટીયાજાળના શેલ્ટર હોમ ખાતે અસરગ્રસ્તોને રાખવામાં આવ્યા હતા.
પરિવાર લગ્નપ્રસંગ ટાળવા માંગતો ન હતો
કંટીયાજાળના શેલ્ટર હોમ ખાતેથી એક અસરગ્રસ્ત પરિવાર પોતાનાં ઘરે પરત ફર્યા હતા. આ બાબતની જાણ થતા જ વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર ઘરે દોડી ગયું હતુ. આ અંગે તપાસ કરતાં તેઓના ફળિયામાં લગ્ન પ્રસંગ હોવાથી પોતાના ઘરે પરત ફર્યા હોવાનું સામે આવ્યુ હતું. વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા તેઓને સમજાવવાના અથાગ પ્રયાસ કર્યા હતા. પરંતુ તેઓ લગ્નપ્રસંગ ટાળવા માંગતા ન હતા. હાંસોટના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર કે એમ ચૌધરી, પેરોલ સ્કોડના સબ ઇન્સ્પેકટર બી ડી વાઘેલા અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના સબ ઇન્સ્પેકટર એમ.આર.સકુરિયાંને સ્થિતિ સાંભળવાની જવાબદારી સોંપવામાં આવી હતી. કોઈપણ ભોગે ગ્રામજનો વાવાઝોડું પસાર થઇ જાય ત્યાં સુધી કેમ્પમાં રહે તે માટે પ્રયત્નો શરૂ થયા હતા. ત્યાર બાદ પરિવારને સમજાવીને શેલ્ટર હોમ ખાતે જ લગ્ન કરાવી આપવાની ખાતરી આપી હતી.
આ પણ વાંચોઃ તૌકતે વાવાઝોડાએ લોકોને બેઘર કર્યા
સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરાવીને લગ્ન કરાવ્યા
આખરે ભરૂચ પોલીસે લગ્ન કરાવી આપવાની જવાબદારી લેતા આખો પરિવાર શેલ્ટર હોમ પરત ફર્યો હતો. અહી વહીવટી તંત્ર અને પોલીસ તંત્રની હાજરીમાં નવ દંપતી હાંસોટ તાલુકાનાં કંટ્યાજાળના રહેવાસી રેખાબેન નરસિંહ ભાઈ રાઠોડ અને ઓલપાડ, સરોલીના રહેવાસી નિલેશભાઈ રતિલાલ રાઠોડના લગ્ન કરાવ્યા હતા. જાહેરનામા મુજબ ગાઇડલાઇનનું પાલન કરાવી સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરાવીને લગ્ન સંપન્ન કરાવ્યા હતા. આમ વહીવટી તંત્ર અને પોલીસ તંત્રએ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.