- ભરૂચ જિલ્લામાં માવઠાના કારણે ખેતરોમાં શેરડી કટિંગનું કામ અટક્યું
- કામ બંધ રહેતા સુગર ફેક્ટરીઓમાં પ્રોડક્ષન લોસ
- આવતીકાલથી કામગીરી શરૂ થાય એવી શક્યતા
ભરૂચઃ જિલ્લામાં સતત ત્રણ દિવસ રહેલા વરસાદી વાતાવરણ અને દોઢ ઇંચ સુધી વરસેલા વરસાદના કારણે ખેતરોમાં શેરડી કાપવાનું કામ અટક્યું છે. જમીન સૂકી થવા સાથે ભારે વાહનોની અવરજવર લાયક ન બને ત્યાં સુધી શેરડી કાપવાનું કામ અટકાવી દેવાની ફરજ પડતા સુગર ફેક્ટરીઓએ પ્રોડક્શન ધીમું કરવાની ફરજ પડી છે. ભરૂચ નર્મદા જિલ્લાની ત્રણ સુગર ફેકટરીઓ 3 દિવસથી ઠપ્પ છે. જેનો પ્રતિદિવસ 15 હજાર ક્વિન્ટલ પ્રોડક્શન લોસનો સામનો કરવો પડી રહ્યો છે.
સુગર ફેકટરીઓને પ્રોડક્શન લોસ
માવઠાના કારણે શેરડીના ખેતરોમાંથી શેરડી ભરેલા વાહનોની અવરજવર શક્ય ન બનતા છેલ્લા ત્રણ દિવસથી શેરડી કટિંગની કામગીરી અટકાવી દેવાઈ છે. શેરડી સુગર ફેક્ટરી સુધી પહોંચી ન શકતા રો મટિરિયલના અભાવે સુગર ફેક્ટરીઓ ઠપ્પ થઇ છે. ભરૂચ નર્મદા જિલ્લામાં મોટા પાયે શેરડીની ખેતી થાય છે. જિલ્લાનો ખેડૂત વર્ગનો એક મોટો હિસ્સો શેરડીની ખેતી પર નભે છે. નર્મદા જિલ્લામાં ધરીખેડા સુગર, વાલિયામાં વટારીયા સુગર અને હાંસોટમાં પંડવાઈ સુગર ફેક્ટરી સહકારી ક્ષેત્રના સંચાલન સાથે ચાલે છે. આ ત્રણ સુગર ફેક્ટરીઓમાં સરેરાશ 4500 થી 5000 મેટ્રિક ટનનું દૈનિક ક્રશિંગ થાય છે. જેમાં 5000 ક્વિન્ટલ સુધી ઉત્પાદન થાય છે. ત્રણ દિવસમાં 15000 ક્વિન્ટલ પ્રોડક્શન લોસ થયો છે.
સ્લો પ્રોડક્શન સાથે સુગર ફેકટરીઓ ફરી શરૂ
કુદરતી આફત હોવાના કારણે સમસ્યા કુદરતી રીતે હલ થાય ત્યાં સુધી ઇંતેજાર સિવાય કોઈ વિકલ્પ હજુ નજરે પડતો નથી. વરસાદના વિરામને 24 કલાક ઉપરાંત સમય વીત્યા બાદ આવતી કાલથી કેટલાક વિસ્તારોમાં સુગર કાપવાની કામગીરી શરૂ કરાવી સ્લો પ્રોડક્શન સાથે સુગર ફેકટરીઓ ફરી શરૂ કરવા પ્રયાસ કરવામાં આવશે.
સમગ્ર ગુજરાતની સુગર ફેકટરીઓમાં શેરડી પિલાણનું કાર્ય અટક્યું
માવઠા બાદ ઉભી થયેલી પરિસ્થિતિ અંગે રાજ્યના સહકાર પ્રધાન અને ભરૂચની પંડવાઈ સુગર ફેકટરીના ચેરમેન ઇશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું. 4 દિવસથી વાતાવરણ પલટાના કારણે સમગ્ર ગુજરાતમાં વરસાદના કારણે સુગરમાં શેરડી પીલાણ અટક્યું છે.
સુગર પ્રોડક્શન અટકી જતા ખેડૂત અને સુગર મેનેજમેન્ટ ચિંતાતુર
ઉલ્લેખનીય છે કે, માવઠાના કારણે ખેતીને ભારે અસર પડી છે. સુગર પ્રોડક્શન અટકી જતા ખેડૂત અને સુગર મેનેજમેન્ટ બંને ચિંતાતુર બન્યા છે. જે તડકો નીકળ્યા બાદ શેરડી કાપવા માટે અનુકૂળ સ્થિતિનો ઇંતેજાર કરી રહ્યા છે.