ભરૂચ: જિલ્લામાં કોરોનાના સંક્રમણને વધતુ અટકાવવા માટે લેવામાં આવતાં પગલાં અંગે રાજ્યના મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમારે કલેક્ટર કચેરીના વીડિયો કોન્ફરન્સ હોલમાં ભરૂચ જિલ્લાની સિવિલ, તાલુકાઓની અને શહેરની સંલગ્ન સમીક્ષા બેઠક કરી હતી.
અધિક મુખ્ય સચિવે જ્યાં કોરોનાના સંક્રમિત વધુ કેસ આવે છે. તેવા શહેરી-તાલુકા વિસ્તારોમાં તાત્કાલિક કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરી તેમાં વધુ તકેદારીના પગલાં લેવા પર ભાર મૂક્યો હતો. તેની સાથે જ્યાં ઓછા કેસ આવે છે, તેવા વિસ્તારમાં કેસ ન વધે તે માટે અધિકારીઓ સર્વે તેમજ મોનીટરીંગ કરે અને તેની સાથો સાથ પ્રજાજનો પણ સાવચેતી રાખે એમ જણાવ્યું હતું.
અધિક મુખ્ય સચિવ દ્વારા આજે યોજાયેલી તાકીદની બેઠકમાં કલેકટર ડો.એમ.ડી.મોડિયા, જિલ્લા વિકાસ અધિકારી અરવિંદ વિજયન, જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચૂડાસમા, આરોગ્ય વિભાગના અધિક નિયામક ડૉ. નિલમ પટેલ, અધિક નિવાસી કલેક્ટર જે.ડી.પટેલ, આરોગ્ય અધિકારી ડો.વી.એસ.ત્રિપાઠી તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.