ભરૂચ : સ્પેશયલ ઓપરેશન ગ્રુપની ટીમના સભ્યોને બાતમી મળી હતી કે રાષ્ટ્રીય ધોરી માર્ગ પરથી પાન મસાલા અને તમાકુના જથ્થાની ગેરકાયદેસર રીતે હેરાફેરી થનાર છે. જેના આધારે પોલીસ દ્વારા મુલદ ટોલ પ્લાઝા નજીક વોચ ગોઠવવામાં આવી હતી. તે દરમિયાન વડોદરા તરફથી કન્ટેનર નંબર જીજે ૧૬ એક્ષ ૭૩૩૯ આવતા તેને અટકાવી કન્ટેનર ચાલક સુરેન્દ્ર યાદવની પુછતાછ કરતા તેણે કન્ટેનરમાં આર્મીનો સમાન હોવાનું જણાવ્યું હતું અને આર્મી હાઉસ હોલ્ડ મટીરીયલનું ખોટું બીલ પણ રજુ કર્યું હતું.
જો કે પોલીસને શંકા જતા કન્ટેનરનું તાળું તોડી અંદર તપાસ કરતા પોલીસની ટીમ પણ ચોકી ઉઠી હતી. જેમાં અંદરથી પોલીસને રૂપિયા ૭૧.૯૯ લાખની કિમતનો વિવિધ બ્રાંડના પાન મસાલા અને તમાકુનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે આ મામલામાં કન્ટેનર ચાલક સુરેન્દ્ર યાદની ધરપડક કરી છે તો પાન મસાલાનો જથ્થો મોકલનાર વડોદરાના નરેશ, બાલુભાઈ અને છગનભાઈ તેમજ ખાંડા ટ્રાન્સપોર્ટ કંપનીના માલિક લકી સિંગ સામે ગુનો દાખલ કર્યો છે. પોલીસને શંકા ન જાય તે માટે આરોપીઓએ આર્મીના સામાનનું ખોટું બીલ બનાવી બીલ વગરના પાન મસાલાની હેરાફેરી કરવાનો કારસો રચ્યો હોવાનું બહાર આવ્યું છે. પોલીસે કન્ટેનર અને મોબાઈલ મળી કુલ રૂપિયા ૭૭ લાખનો મુદ્દામાલ ઝપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.