ભરૂચ: શહેરની 180 એમ્બ્યુલન્સ સેવાના કર્મચારીઓની પ્રમાણિકતા જોવા મળી છે. અકસ્માત સ્થળેથી ઈજાગ્રસ્ત વ્યક્તિના રૂપિયા 59 હજાર રોકડા અને કિંમતી સામાન મળ્યો હતો. જે સામાન પરિવારજનોને સુપરત કર્યો હતો.
શહેરના પાલેજથી આમોદ જતા રસ્તા પર દોરા ગામ પાસે અકસ્માત નડ્યો હતો. જેમાં કાર ચાલક સહિત બે વ્યક્તિઓ કારમાં જ ગંભીર રીતે ફસાઈ ગયા હતા. બનાવની જાણ થતાની સાથે જ પાલેજ લોકેશનની 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી.
ઈજાગ્રસ્ત વ્યક્તિઓને સ્થળ પર સારવાર આપી સારવાર અર્થે ખસેડયા હતા.આ દરમિયાન EMT ખુશ્બુ બહેન અને પાયલટ ઈમ્તિયાઝભાઈને અકસ્માત સ્થળેથી રૂપિયા 59 હજાર રોકડા અને અન્ય કિંમતી સામાન મળી આવ્યો હતો. આ સામાનની ખરાઈ કરાતા તે ઈજાગ્રસ્ત વ્યક્તિનો હોવાનું જાણવા મળતા બન્ને કર્મચારીઓએ પ્રમાણિકતા દાખવી રોકડ રકમ અને કિમતી સમાન ઇજાગ્રસ્તોનાં પરિવારજનોને સોપ્યો હતો. પ્રમાણિકતા દાખવવા બદલ પરિવારજનોએ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.