ભરૂચ જિલ્લામાં ધોધમાર વરસાદ
- જિલ્લામાં લાંબા વિરામબાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી
- અંકલેશ્વર સહિતના પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ
- વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ
ભરૂચઃ જિલ્લાના અનેક વિસ્તારોમાં ગુરૂવારે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ હતી. બપોરના અરસામાં ભરૂચના અંકલેશ્વર સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો.
જિલ્લામાં મેઘરાજા શ્રાદ્ધ પક્ષના પ્રારંભ સાથે જાણે અદ્રશ્ય થઇ ગયા હતા. વચ્ચે એકાદ બે દિવસ અમી છાંટણા વરસાવી વરસાદ હાજરી પુરાવી જતો રહેતો હતો, વાતાવરણમાં ઠંડક જોવા મળતી ન હતી અને અસહ્ય બાફની અનુભૂતિ થઇ રહી હતી. ત્યારે ગુરૂવારના રોજ અંકલેશ્વર પંથકમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજા મન મુકીને વરસ્યા હતા અને સર્વત્ર પાણી પાણી કરી દીધું હતું.
શ્રાદ્ધ પક્ષના અંતિમ દિવસે વરસાદ વરસતા લોકોને ગરમીમાંથી રાહત થઇ હતી, તેમજ ધોધમાર વરસાદને પગલે ધરતીપુત્રોમાં પણ ખુશાલી જોવા મળી હતી, સાથો સાથ શહેરીજનો વરસાદની મજા માણવા ઘરની બહાર નીકળી પડ્યા હતા.