ભરુચઃ ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ આત્મીય ગ્રીન સ્કૂલમાં અભ્યાસ કરતાં અને ધોરણ 10 તેમજ 12 બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને સફળતા મળે એ હેતુથી ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. વિદ્યાર્થીઓ જીવન ઘડતરમાં મહત્વની ગણાતી બોર્ડની પરીક્ષા આપવા માટેની તૈયારીમાં લાગી ગયાં છે ત્યારે ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ આત્મીય ગ્રીન સ્કૂલમાં વિદ્યાર્થીઓની સફળતાની પ્રાર્થના સાથે ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.
ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા આપવા જઈ રહેલાં વિદ્યાર્થીઓને સફળતા મળે અને તેઓના ઉજ્જવળ ભવિષ્ય માટે આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું અને વેદમાતા ગાયત્રીની ઉપાસના કરવામાં આવી હતી. આ પ્રસંગે ગુજરાત શિક્ષણ બોર્ડના અધ્યક્ષ એ.જે.શાહ, જિલ્લાશિક્ષણાધિકારી નવનીત મહેતા, શાળાના ડાયરેક્ટર પ્રવીણ કાછડિયા તેમ જ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.