- ભરૂચ કોવિડ સ્મશાનમાં અત્યાર સુધીમાં 401 મૃતકોના અંતિમ સંસ્કાર
- તંત્રના ચોપડે કોરોનાના કારણે માત્ર 32 લોકોના જ મોત
- સ્મશાન અને તંત્રના આંકડા વચ્ચે મોટો તફાવત
ભરૂચ : સ્પેશ્યિલ કોવિડ સ્મશાનમાં અત્યાર સુધી 401 મૃતકોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. જ્યારે તંત્રના ચોપડે કોરોનાના કારણે અત્યારસુધીમાં 32 લોકોના જ મોત દર્શાવવામાં આવ્યા છે. ત્યારે સ્મશાન અને તંત્ર દ્વારા અપાતા આંકડા વચ્ચે મોટો તફાવત જોવા મળી રહ્યો છે.
સ્પેશ્યિલ કોવિડ સ્મશાનમાં 150 દિવસમાં 401 મૃતકોના અંતિમ સંસ્કાર
ભરૂચમાં નર્મદા નદીના કિનારે રાજ્યનું સૌ પ્રથમ કોવિડ સ્મશાન બનાવવામાં આવ્યું હતું. જેનું સંચાલન 14 જુલાઈથી શરૂ કરવામાં આવ્યું છે. ભરૂચ જિલ્લામાં કોરોનાના કારણે કોઈ દર્દીનું મૃત્યુ થાય તો તેમના અંતિમ સંસ્કાર આ સ્મશાનમાં કરવામાં આવે છે. કોવિડ સ્મશાન શરૂ થયાના 150 દિવસમાં અત્યાર સુધી 401 મૃતકોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. જોકે, તંત્રના ચોપડે કોરોનાના કારણે મૃત્યુઆંક 32 જ છે.
ભરૂચમાં કોરોનાની બીજી લહેરની હજુ ગંભીર અસરો દેખાઈ નથી. પરંતુ કોરોનાને હળવાશથી લઈ શકાય તેવી સ્થિતિ પણ નથી. 25 નવેમ્બરથી 6 ડિસેમ્બર સુધીમાં રાજ્યના એકમાત્ર ભરૂચ સ્થિત કોવિડ સ્મશાનમાં 12 દર્દીઓની અંતિમ ક્રિયા કરવામાં આવી છે. જેમાં એક શંકાસ્પદ દર્દીનો પણ સમાવેશ થાય છે.
સ્પેશ્યિલ કોવિડ સ્મશાનના આંકડા પર નજર
તારીખ | દર્દીની સંખ્યા |
25 નવેમ્બર | 02 |
26 નવેમ્બર | 00 |
27 નવેમ્બર | 00 |
28 નવેમ્બર | 03 |
29 નવેમ્બર | 01 |
30 નવેમ્બર | 01 |
1 ડિસેમ્બર | 00 |
2 ડિસેમ્બર | 03 |
3 ડિસેમ્બર | 01 |
4 ડિસેમ્બર | 00 |
5 ડિસેમ્બર | 00 |
6 ડિસેમ્બર | 01 |
રાજ્યમાં કોવિડ સંક્રમિતોની સંખ્યાને લઇ વિવાદ સર્જાયા રહે છે. ભરૂચમાં પણ આંકડાઓની સંખ્યાને લઈ આરોગ્ય વિભાગ પણ કંઇ બોલવા તૈયાર નથી. એક તરફ સ્પેશ્યિલ કોવિડ સ્મશાનમાં મૃત્યુઆંક વધુ છે, તો તંત્ર કંઈક અલગ જ કહી રહ્યું છે.