- અંકલેશ્વરના પૂર્વ નગરસેવિકા ચંપા વસાવાએ ભાજપનો સાથ છોડ્યો
- વય મર્યાદાના કારણે ટિકિટ કપાતા BTPમાં જોડાયા
- ભાજપા દ્વારા તેઓની અવગણના કરવામાં આવી
ભરૂચ : ચૂંટણી સમયેે જોડ-તોડનું રાજકારણ હવે સામાન્ય બન્યું છે. વર્ષોથી પક્ષ સાથે જોડાયેલા આગેવાનો પણ સત્તા લાલસામાં પક્ષનો સાથ છોડતા અચકાતા નથી, આવું જ કંઇક અંકલેશ્વરમાં પણ થયું છે. ભાજપામાંથી વર્ષોથી કાર્યકર અને ત્યારબાદ નગરસેવિકા તરીકે ચૂંટાઈ આવતા અંકલેશ્વરના ચંપાબહેન વસાવાએ ભાજપા સાથે છેડો ફાડ્યો છે. તેઓ ગત ટર્મમાં વોર્ડ નં.-7માંથી જીત્યા હતા. આ વખતે નવી ગાઈડ લાઈન મુજબ 60વર્ષથી વધુ વયના ઉમેદવારને ટિકિટ નહીં આપવાનું નક્કી કરાતા તેઓનું પત્તું કપાયું હતું. તેથી તેઓ આજે BTPમાં જોડાયા હતા.
BTPમાંથી ઉમેદવારી નોંધાવશે ચંપા વસાવા
બે દિવસ અગાઉ તેઓ અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવશે તેવા એંધાણ હતા. પરંતુ તેઓએ હવે BTPનો આશરો લીધો છે. તેઓ આગામી ચૂંટણીમાં BTPમાંથી ઉમેદવારી નોંધાવશે. તેઓએ ટેલિફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે, ભાજપા દ્વારા તેઓની અવગણના કરવામાં આવી છે. તેથી તેઓએ આ પગલું ભર્યું છે.