નર્મદા નદીમાં વારંવાર પુરની પરિસ્થિતિ નિર્માણ થવાના કારણે બોરભાઠા બેટ ગામે નદી કીનારે આવેલ સ્મશાનનું ધોવાણ થતા ગ્રામજનો પ્રોટેકશન વોલ બનાવવાની માંગ કરી રહ્યા છે.
ઉનાળામાં સુકી ભઠ્ઠ બનેલ પાવન સલીલામાં નર્મદા ચોમાસામાં બે કાંઠે વહી રહી છે. આ ચોમાસાની સીઝનમાં નર્મદા નદીમાં ત્રણ-ત્રણ વખત પુરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. નર્મદા નદીનાં જળસ્તર વધતા એક તરફ ખુશી છવાઈ છે. તો બીજી તરફ કાંઠા વિસ્તારની જમીનનું મોટા પાયે ધોવાણ થયું છે. નર્મદા નદીના પાણીનાં કારણે અંકલેશ્વરના બોરભાઠા બેટ ગામે આવેલ સ્મશાનની જમીનનું ધોવાણ થયું છે. જેના કારણે ગ્રામજનોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ સ્મશાનનો 25 ગામના લોકો ઉપયોગ કરે છે. પરંતુ ધીમેધીમે સ્મશાનની જમીનનું ધોવાણ થતા નજીકના ભવિષ્યમાં આખેઆખું સ્મશાન નદીના પાણીમાં ડૂબી જાય એવી ભીતિ ગ્રામજનો વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે કાંઠા વિસ્તારની આ જમીનનું ધોવાણ અટકાવવા ગ્રામજનો પ્રોટેક્શન વોલ બનાવવાની તંત્ર પાસે માંગ કરી રહ્યા છે.