ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પોલીસ તંત્ર અને આરોગ્ય વિભાગ પર ગંભીર આક્ષેપ કર્યો છે કે, 22મી જૂલાઈના રોજ વાલિયાના ભૂલેશ્વર ગામે સ્થાનિક ફતેસિંહ વસાવા ગામની સીમમાં ઢોર ચરાવી રહ્યા હતા. તે દરમિયાન કેટલાક અસામાજિક તત્વોએ તેમના પર જીવલેણ હુમલો કર્યો હતો. જેથી પ્રથમ તેમને નેત્રંગ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં અને ત્યારબાદ રાજપીપળા સિવિલ હોસ્પિટલ, વડોદરાની એસ.એસ.જી.હોસ્પિટલ અને અંતે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
શનિવારના રોજ ભરૂચના સાંસદ મનસુખ વસાવા ફતેહસિંહની મુલાકાત લેવા ભરૂચ સિવિલ હોસ્પિટલમાં આવ્યા હતા. જ્યાં તેમણે પોલીસ વિભાગ અને આરોગ્ય તંત્ર પર ગંભીર આક્ષેપ કર્યા હતા કે, ભરૂચ SP અને અંકલેશ્વર DY.spના દબાણનાં કારણે હુમલાખોરો પર વાલિયા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી નથી. તદ્ઉપરાંત વિવિધ હોસ્પિટલો દ્વારા પણ ઈજાગ્રસ્તને સરખી સારવાર આપવામાં આવી ન હતી. જેથી આદીવાસી લોકો પર થતાં અત્યાચાર સામે સાંસદ મનસુખ વસાવાએ વિરોધ નોંધાવ્યો હતો.