ભરૂચઃ નગર સેવા સદનના કથિત ખીચડી કૌભાંડ અને ડમ્પિંગ સાઈટ કૌભાંડ મામલે કોંગ્રેસ હરકતમાં આવી છે. નગરપાલિકાના પ્રમુખ તેમજ ચીફ ઓફિસરને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. ભરૂચ નગર સેવા સદન ખાતે શુક્રવારે શહેર કોંગ્રેસના આગેવાનો અને કોંગ્રેસના નગર સેવકો દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું.
ચોમાસા દરમિયાન પુરગ્રસ્તોને આપવામાં આવેલા ભોજનનાં કોન્ટ્રાકટમાં ભ્રષ્ટાચાર કરાયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. મુલદ ખાતે આવેલા ડમ્પિંગ સાઈટ પર પરવાનગી વગર કચરો ઠાલવવા માટે નાણાંનો વહીવટ થતો હોવાનો વીડિયો સામે આવ્યો છે. જેમાં સુપરવાઈઝર એક નગર સેવકનું નામ લઇ કચરાઓ ઠાલવવા માટેનાં ભાવ જણાવે છે. આ વીડિયો વાયરલ થતા ખળભળાટ મચ્યો છે. આ વીડિયોમાં મુલદ ડમ્પિંગ સાઈટનો સુપર વાઈઝર નગર સેવક સતીશ મિસ્ત્રીના નામનો પણ ઉલ્લેખ કરે છે. કોંગ્રેસના નગર સેવકોએ આ મામલે ઉગ્ર રજૂઆત કરી હતી. તેમણે આ કૌભાંડમાં જવાબદાર લોકો સામે કાર્યવાહીની માગ કરી હતી.
બીજી તરફ તંત્ર દ્વારા આ કૌભાંડની તપાસ માટે કમિટીની રચના કરવામાં આવી છે. જેમાં શાસક પક્ષના નેતા વિજય કોન્ટ્રાકટર, વિપક્ષના નેતા સમસાદ સૈયદ, ચીફ ઓફિસર સંજય સોની અને સીટી એન્જીનીયરનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ તપાસ કમિટી તપાસ કરી આગળના પગલાં લેશે.