ભરૂચ : આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં નેત્રંગ ખાતે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માને જાહેર સભા યોજી હતી. આ તકે અરવિંદ કેજરીવાલે ચૈતર વસાવાના સમર્થનમાં આવેલા લોકો સમક્ષ આમ આદમી પાર્ટી ભરૂચ લોકસભાની સીટ પરથી ધારાસભ્ય ચૈતર વસાવાને ચૂંટણી લડાવાની જાહેરાત કરી હતી.
સીએમ કેજરીવાલની જાહેરાત : સીએમ અરવિંદ કેજરીવાલની આ જાહેરાત બાદ ભરૂચ અને નર્મદા જિલ્લાનું રાજકારણ ગરમાયું છે. ગુજરાત કોંગ્રેસ પાર્ટીમાં હડકમ મચી ગઈ અને કોંગ્રેસે ચૈતર વસાવાની ઉમેદવારી જાહેરાતનો વિરોધ કર્યો હતો. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની આ તણસાતણસીમાં ભરૂચના ભાજપ સાંસદ મનસુખ વસાવાએ ઘી હોમ્યું છે. અરવિંદ કેજરીવાલે કરેલી ચૈતર વસાવાની ઉમેદવારી જાહેરાત બાદ ચર્ચાનો દોર શરૂ થયો છે. કોંગ્રેસ અને આપ આમને સામને થયા છે, જ્યારે ભાજપ વચ્ચે મોકો શોધી ચોક્કો મારી રહ્યું છે.
ચૈતર વસાવાના નામની જાહેરાત કરી એ વ્યાજબી નથી, એ ખોટું છે. ઇન્ડિયા ગઠબંધન જે ઉમેદવાર નક્કી કરે એ સાચું છે અને આવી રીતે વોટબેંકનું વિભાજન કરી ભાજપને ફાયદો થાય તેવું છૂપું આયોજન હોય તેવું લાગે છે. -- સંદિપ માંગરોલા (મહામંત્રી, ગુજરાત કોંગ્રેસ)
ભરૂચ લોકસભા સીટના ઉમેદવાર : ભરૂચના નેત્રંગ ખાતે ચૈતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટી દ્વારા આયોજીત જાહેરસભામાં એક નહીં આપના બે-બે મુખ્યપ્રધાન આવી પહોંચ્યા હતા. આ જાહેરસભામાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે ભરૂચ લોકસભા સીટ પર આપના ઉમેદવાર તરીકે ચૈતર વસાવાને જાહેર કરી દીધા. આ જાહેરાત બાદ રાજકારણમાં ગરમાવો આવ્યો છે. જેમાં ઇન્ડિયા ગઠબંધનને લઈ કોંગ્રેસના નેતાઓ આમ આદમી પાર્ટી સામે બાયો ચડાવી છે.
કોંગ્રેસ પાર્ટીમાં નારાજગી : આ અંગે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી સંદિપ માંગરોલાએ જણાવ્યું હતું કે, અરવિંદ કેજરીવાલ ચૈતર વસાવાના ખભે પગ મૂકીને આપ પાર્ટીનો વ્યાપ વધારવા માંગી રહ્યા છે. તેઓ ઇન્ડિયા ગઠબંધનના નિયમોનું પાલન નથી કરી રહ્યા. આ સીટ પર કોંગ્રેસ મજબૂત છે અને કોંગ્રેસ અને ભાજપની સીધી ટક્કર થાય તો આ સીટ પર કોંગ્રેસ આ વખતે જીતી શકે તેમ છે. કોંગ્રેસને હરાવવા માટે ભૂતકાળમાં છોટુભાઈ વસાવા ચહેરો હતા અને આ વખતે બીજો ચહેરો છે, ત્યારે તેમને શંકા છે કે કોંગ્રેસને હરાવવા માટે અન્ય કોઈ લોકો કામ કરી રહ્યા હોય તેમ લાગે છે.
આપ પર આક્ષેપ : સંદિપ માંગરોલાએ વધુમાં જણાવ્યું હતું કે, ચૈતર વસાવાના નામની જાહેરાત કરી એ વ્યાજબી નથી, એ ખોટું છે. ઇન્ડિયા ગઠબંધન જે ઉમેદવાર નક્કી કરે એ સાચું છે અને આવી રીતે વોટબેંકનું વિભાજન કરી ભાજપને ફાયદો થાય તેવું છૂપું આયોજન હોય તેવું લાગે છે. મને ઘણા કોંગ્રેસ કાર્યકરો અને નેતાઓના ફોન આવ્યા, મેં કહ્યું ભ્રામક વાતોમાં ન આવવું જોઈએ. અમે આદિવાસી સમાજના હક-અધિકારની લડાઈ વર્ષોથી લડીએ છીએ.
મૌકે પર ચોક્કા : જોકે વહેતી ગંગામાં હાથ ધોતા ભરૂચના ભાજપ સાંસદ મનસુખ વસાવાએ પણ આ રાજકીય લડાઈમાં કૂદી પડતા કહ્યું કે, અમને પહેલાથી ખબર હતી કે આપ અને કોંગ્રેસ કોઈ દિવસ એક થવાના નથી. ભરૂચ સીટ છેલ્લી છ ટર્મથી ભાજપ પાસે છે અને રહેશે. આજે આપ વાળા ચૈતર વસાવાને લઈ રાજકારણ રમી રહ્યા છે. ત્યારે બીજી બાજુ કોંગ્રેસ એમ સમજે છે કે આ વખતે અમે લોકસભા જીતીશું. આ એમનું ઇન્ડિયા ગઠબંધન પાર થવાનું નથી. એમનું ઇન્ડિયા ગઠબંધન થાય કે ન થાય અમને કોઈ ફર્ક પડતો નથી.