ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાંથી છેલ્લા 5 દિવસથી 6થી 8 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમમાંથી છોડાતા પાણીના કારણે ભરૂચ નજીક પુરની પરિસ્થિતિ સર્જાઈ છે. ભરૂચના ગોલ્ડનબ્રિજ નજીક નર્મદા નદી તેની ભયજનક 24 ફૂટની સપાટીથી 7 ફૂટ ઉપર 31 ફૂટે વહી રહી છે જેના પગલે નીચાણવાળા અનેક વિસ્તારો પાણી ગરકાવ થયા છે.
આજે સતત ચોથા દિવસે પણ ભરૂચના ફુરજા, દાંડિયા બજાર, બામણી યા ઓવારા,ગોલ્ડનબ્રિજ ઝૂંપડપટ્ટી તો અંકલેશ્વરના સરફૂદીન, ખલાપીયા, જુના બોરભાઠા, દીવા અને ઝઘડિયાના જુના પોરા, તરસાલી અને જૂના જરસાડ સહિતના ગામોમાં નદીના પાણી ફરી વળ્યાં હતાં. જે પરિસ્થિતિને લઇને તંત્રએ ભરૂચ જિલ્લામાંથી અત્યાર સુધી 3814 લોકોનું સ્થળાંતર કર્યુ છે.
જિલ્લામાં એન.ડી.આર.એફની 2 અને એસ.ડી.આર.એફની 1 ટીમ તૈનાત કરવામાં આવી છે. આજે ગણેશ વિસર્જન છે, ત્યારે તંત્ર ખાસ આયોજનમાં હાજર રહ્યું છે અને લોકોને નદી કાંઠે ન જવા સૂચના પણ આપવામાં આવી છે.