ભરૂચ : અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામના જુમ્મા મસ્જિદ સામે આવેલા મકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડ રૂપિયા 75 હજાર અને સોનાના ઘરેણા સહિત કુલ મળી 3.72 લાખની ચોરીની ઘટના બની હતી. જે ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે.
મૂળ જંબુસરનાં ટંકારીમાં અને હાલ અંકલેશ્વર તાલુકાનાં ખરોડ ગામના જુમ્મા મસ્જિદ સામે રહેતા મૌલવી સહ પરિવાર સાથે બિમાર પિતાની ખબર પૂછવા તેમજ વિદેશથી આવેલા ભાઈને મળવા ગયા હતા. જે દરમિયાન તેમના મકાનને તસ્કરોએ નિશાન બનાવી મકાનમાંથી રૂપિયા 3.72 લાખની માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
27 તારીખે ઘરમાલિક પોતાના ઘરે પરત ફર્યા ત્યારે ઘરની પાછળની ગ્રીલનો દરવાજો ખુલ્લો જોવા મળ્યો હતો. જે બાદ ઘરમાં જોતાં મકાનમાં સામાન વેર વિખેર જોવા મળ્યો હતો. તપાસ કરતા તસ્કરો તેમના મકાનમાંથી 6.5 તોલાના સોનાના ઘરેણાં, એક કાંડા ઘડિયાળ અને રોકડ રૂપિયા 75 હજારની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આરિફ પટેલે આ અંગે અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ ચોરી અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરતા પોલીસને ઘરની બહારના CCTV ફૂટેજ મળી આવ્યા છે. જેમાં બે શંકાસ્પદ ઇસમો ઘરની બહાર નીકળી કારમાં બેસે છે એ સહિતની ગતિવિધિ કેદ થઇ છે. પોલીસે CCTV ફૂટેજના આધારે તસ્કરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.