- ભરૂચના ઝઘડીયાની UPL કંપનીમાં બ્લાસ્ટથી 25 કામદારો દાઝયાં
- UPL કંપનીમાં મધરાતે ભયાનક બ્લાસ્ટ
- કંપનીની આસપાસ આવેલાં ગામોમાં ઘરોના કાચ તુટયાં
ભરૂચ: અંકલેશ્વરમાં ઝઘડીયા GIDCમાં UPL કંપની આવેલી છે. કંપનીમાં ગઈકાલે સોમવારે રાત્રિના સમયે રાબેતા મુજબ ઉત્પાદનની કાર્યવાહી ચાલી રહી હતી, ત્યારે રાત્રિના 2.30 વાગ્યાના અરસામાં ભયાનક બ્લાસ્ટ થયો હતો. ધડાકા બાદ કંપનીમાં આગ ફાટી નીકળતાં દોડધામ મચી હતી. બ્લાસ્ટ બાદ કંપનીના પ્લાન્ટમાં ભીષણ આગ ફાટી નીકળતાં 25 જેટલાં કામદારો દાઝી ગયાં હતાં. કાટમાળમાંથી બે કર્મીઓના મૃતદેહો મળ્યા હતા. શુક્લતિર્થના વનરાજસિંહ ડોડીયા તથા અવિધાન નેહલ મહેતાના મૃતદેહ મળી આવ્યા હતા.
આસપાસના ગામોમાં ઘરના કાચ તૂટ્યા
બ્લાસ્ટના પગલે GIDCને અડી આવેલાં દધેડા, ફુલવાડી, કપલસાડી સહિતના ગામોમાં આવેલાં મકાનોમાં કાચ તુ્ટયાં હતાં. આ ઉપરાંત બ્લાસ્ટની ધ્રુજારી છેક અંકલેશ્વવર સુધી અનુભવાય હતી. લોકોએ ભુકંપ આવ્યો હોય તેવો અનુભવ કર્યો હતો. બ્લાસ્ટ બાદ આગ ફાટી નીકળતાં ધુમાડાના ગોટેગોટા દુર-દુર સુધી જોવા મળ્યા હતાં. બનાવની જાણ થતાં લશ્કરોની ટીમ કંપની ખાતે પહોંચી ગઇ હતી અને બચાવ તથા રાહત કામગીરી હાથ ધરી હતી.
ભયાનક બ્લાસ્ટમાં 25 કામદારો દાઝ્યા
UPL કંપનીમાં થયેલાં ભયાનક બ્લાસ્ટમાં 25થી વધારે કામદારો દાઝી ગયા હોવાની આશંકા સેવાઈ રહી છે. કંપનીમાં કયાં કારણોસર બ્લાસ્ટ થયો તેની તપાસ કરવામાં આવી રહી છે. હાલ તો ઝઘડીયા GIDCની આસપાસ આવેલાં ગામના લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે.
તંત્રની ટીમ ઘટના સ્થળે પહોંચી
UPL કંપનીમાં પ્રચંડ વિસ્ફોટ થતા તંત્ર દોડતું થયું હતું. સેફટી એન્ડ હેલ્થ વિભાગ, પોલીસ તેમજ GPCBની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી તેમજ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. બ્લાસ્ટ થવા પાછળના કારણોની તપાસ ચાલી રહી છે.