- ભરૂચમાં ચૂંટણી પૂર્વે જ કોંગ્રેસને મોટો ફટકો
- તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ કૌશિક પટેલ સહિત આગેવાનોએ કર્યા કેસરિયા
- 200 કાર્યકરો ભાજપમાં જોડાયા
ભરૂચઃ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પૂર્વે ભરૂચ કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. તાલુકા પંચાયતના ઉપ પ્રમુખ અને ઝાડેશ્વર કોંગ્રેસનાં આગેવાન કૌશિક પટેલ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. રાજપૂત છાત્રાલય ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ભાજપના આગેવાનોએ તેઓને ખેસ પહેરી આવકાર્યા હતા.
ભરૂચના રાજકારણમાં ગરમાવો
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે અને રાજકીય પક્ષો મુરતિયાઓની શોધમાં નીકળી પડ્યા છે, ત્યારે આજે ભરૂચના રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. ઝાડેશ્વરના આગેવાન અને ભરૂચ તાલુકા પંચાયતના ઉપ પ્રમુખ કૌશિક પટેલ સહિત તેમના ટેકેદારોએ આજરોજ ભાજપમાં જોડાઈ હતા. ભરૂચની રાજપૂત છાત્રાલય ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ભરૂચના ચૂંટણી પ્રભારી પ્રફુલ પાનસેરિયા, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતી સિંહ અટોદરિયા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં કૌશિકભાઈ, ભોલાવ પંચાયતના પૂર્વ સરપંચ દિગ્વિજયસિંહ રાજ, જયદીપસિંહ ગોહિલ, તાલુકા પંચાયતના માજી સભ્ય સરોજ ચૌહાણ, યુથ કોંગ્રેસના પૂર્વ ઉપપ્રમુખ યોગેન્દ્ર તડવી, અંકલેશ્વર પાલિકાના વૉર્ડ નંબર 5 ના પૂર્વ નગરસેવકો, શિવસેનાના પ્રમુખ વિરલ ગોહિલ સહિત મોટી સંખ્યામાં શિવસેનાના યુવાનો સહિત 200 જેટલા કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. જેઓને ખેસ પહેરી આવકારવામાં આવ્યા હતા
વડાપ્રધાન મોદીની કાર્યશૈલીથી પ્રેરાયા: કૌશિક પટેલ
કોંગ્રેસમાં ઝાડેશ્વર અને પૂર્વ પટ્ટીના ગામોમાં પ્રભુત્વ ધરાવનારા કૌશિક પટેલે ભાજપમાં જોડાવા અંગે જણાવ્યુ હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કાર્યશૈલીથી પ્રેરાઈ તેઓ ભાજપમાં જોડાયા છે.
કોંગી આગેવાન જયેશ પટેલના નિધન બાદ કોંગ્રેસ તૂટી
અત્રે મહત્વપૂર્ણ છે કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પૂર્વે ભરૂચ ભાજપ દ્વારા અગાઉ ઝઘડિયામાં ભાજપે બીટીપીમાં ભંગાણ પાડ્યું હતું તો હવે કોંગ્રેસને પણ ઝટકો આપ્યો છે. ઝાડેશ્વરમાં કાકાના નામથી જાણીતા અને અનેક વાર લોકસભા તેમજ વિધાનસભાની ચૂંટણી લડનાર જયેશ પટેલના નિધન બાદ કોંગ્રેસ સતત તૂટી રહી છે ત્યારે ભાજપ આ પટ્ટી પર હવે મજબૂત થશે એમ માનવામાં આવી રહ્યું છે જો કે ભાજપના કોંગ્રેસીકરણથી ભાજપના એક વર્ગમાં નારાજગી પણ જોવા મળી રહી છે.