ભરુચ : તબીબી અભ્યાસ કરવો અઘરો છે તેમ આ ક્ષેત્રમાં ભણવા માટેની તોતિંગ ફી ભરવી પણ આર્થિક સદ્ધર લોકોને જ પોસાય તેમ હોય છે. ત્યારે ભરુચમાંથી સામે આવેલા આ સમાચાર રાહત પમાડે તેવા છે. પ્રજ્ઞાચક્ષુ પિતાની બીમારીને લઇને ડોક્ટર બનવા માગતી તેમની પુત્રી આલીયાબાનુ તેની ફી ભરવામાં મુશ્કેલી અનુભવી રહી હતી. આ સમયે પીએમ મોદી સાથેના જનસંવાદ કાર્યક્રમમાં થયેલા ઉલ્લેખે તેની મુશ્કેલી આસાન કરવાનો રાહ ખોલી આપ્યો હતો.
200 કર્મચારીઓનું દાન : એમબીબીએસના અભ્યાસ માટે આલીયાબાનુ પટેલના બીજા સેમેસ્ટરની ફી ભરવા માટે 200 અધિકારીઓએ એક દિવસનો પગાર દાનમાં આપ્યો હતો. આલીયાબાનુ વડોદરાની પારુલ યુનિવર્સિટીમાં ભણી રહી છે અને તેણે પોતાના પિતાની બીમારીના કારણે ડોક્ટર બનવાનું નક્કી કર્યું છે. કલેક્ટર તુષાર સુમેરા સહિત રેવન્યુ વિભાગના 200 કર્મચારીઓ દ્વારા એમબીબીએસ વિદ્યાર્થિની આલિયાબાનુ પટેલની બીજા સેમેસ્ટરની 4 લાખ રુપિયાની ફી ચૂકવવા એક દિવસનો પગાર દાનમાં આપ્યો છે.
પીએમ મોદીએ મદદની ખાતરી આપેલી : ભરુચના વાગરાની આલીયાબાનુના પિતા ઐયુબભાઇ પટેલ પ્રજ્ઞાચક્ષુ છે. અલીયાબનુએ ગત વર્ષે ધોરણ 12માં 79.80 ટકા મેળવ્યા બાદ વડોદરાની પારુલ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો હતો. તેને શિક્ષણ ચાલુ રાખવામાં નાણાકીય પડકારોનો સામનો કરવો પડ્યો હતો.જેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સીએમ ભૂપેન્દ્ર પટેલ અને જિલ્લા વહીવટીતંત્રને સહાયતા કરવા પત્ર પણ લખ્યો હતો. કારણ કે ગયા વર્ષે એક કાર્યક્રમમાં પીએમ મોદીએ વિદ્યાર્થીની અને તેના પિતાને મદદની ખાતરી આપી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શું કરી વાત : ગયા વર્ષે 12 મેના રોજ સરકારી યોજનાઓના લાભાર્થીઓ માટેના કાર્યક્રમમાં વડાપ્રધાને ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના નેત્રહીન ઐયુબભાઈ પટેલ સાથે વાર્તાલાપ કર્યો હતો. તેઓ કેન્દ્ર સરકારની રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજનાના લાભાર્થીઓમાં હતાં. ભરૂચના દૂધધારા ડેરી ગ્રાઉન્ડ ખાતે આયોજિત ઉત્કર્ષ પહેલ કાર્યક્રમમાં ઐયુબભાઈ પટેલ તેમની પત્ની અને ત્રણ પુત્રીઓ સાથે હાજર રહ્યા હતાં. તે સમયે ઐયુબભાઈએ વડાપ્રધાન સાથે ગ્લુકોમાને કારણે તેમની દ્રષ્ટિ ગુમાવવાની વાત કરી હતી. જેમાં પીએમ મોદીએ તેમના બાળકો વિશે પૂછપરછ કરી હતી. આકસ્મિક રીતે ધોરણ 12 નું પરિણામ જાહેર થયું તે દિવસે ઐયુબભાઈ પટેલે તેમની મોટી પુત્રી આલીયાબાનુ વિશે વાત કરી. તેને પીએમ મોદી સાથે વાત કરવાનો મોકો મળ્યો PMએ તેને અભિનંદન આપ્યાં હતાં.
પીએમ મોદીએ જો તેમની પુત્રીને તબીબ બનવામાં કોઈ પડકારોનો સામનો કરવો પડે તો તેમનો સંપર્ક કરવા કહ્યું હતું. ફી ભરવામાં આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતાં ત્યારે અમને પીએમ મોદીની વાત યાદ આવી કે પીએમ મોદીએ અમને કહ્યું હતું કે તેઓ અમારી મદદ કરવા તૈયાર છે. તેથી પુત્રી આલીયાબાનુએ વડાપ્રધાન અને જિલ્લા કલેક્ટરને પત્ર લખીને આર્થિક મદદ માંગી હતી... ઐયુબભાઇ પટેલ (આલીયાબાનુના પિતા)
પત્ર લખ્યો : ડોક્ટર બનવા પૃચ્છા પીએમે આલીયાબાનુને કેમ ડોક્ટર બનવું છે એવી પૃચ્છા કરતાં તેણે પીએમ મોદીને જણાવ્યું હતું કે પિતાની દ્રષ્ટિ ગુમાવ્યા પછી તે ડૉક્ટર બનવાની ઇચ્છા ધરાવે છે. પીએમ મોદીએ પિતા ઐયુબભાઇને કહ્યું કે જો તેમની પુત્રીને તબીબ બનવામાં કોઈ પડકારોનો સામનો કરવો પડે તો તેમનો સંપર્ક કરે. પિતા આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતાં ત્યારે તેમને પીએમ મોદીની વાત યાદ આવી કે પીએમ મોદીએ અમને કહ્યું હતું કે તેઓ અમારી મદદ કરવા તૈયાર છે. તેથી પુત્રી આલીયાબાનુએ વડાપ્રધાન અને જિલ્લા કલેક્ટરને પત્ર લખીને આર્થિક મદદ માંગી હતી.
ફી ભરવાનો સંઘર્ષ : આલીયાબાનુના પિતાએ પોતે મિત્રો, સંબંધીઓ અને અન્ય લોકો પાસેથી પૈસા ઉધાર લઈને પ્રથમ સેમેસ્ટરની ફી 7.70 લાખ તેમજ ખાનગી બેંકમાંથી 5 લાખ રૂપિયાની લોન લીધી હતી. વર્લ્ડ ભરૂચ વ્હોરા ફેડરેશન તરફથી પણ 1 લાખ રૂપિયા મળ્યાં હતાં.પ્રથમ સેમેસ્ટર મેમાં સમાપ્ત થાય છે. બીજા સેમેસ્ટરની ફી જૂન પહેલા જમા કરાવવાની હોય PM, CM અને જિલ્લા કલેક્ટરને પત્ર લખીને દીકરીની ફી ભરવા માટે આર્થિક મદદની વિનંતી કરી હતી.પત્ર મળ્યા પછી ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ આલિયાનુ અને તેના પરિવારને બોલાવ્યો હતો. કલેકટર અને મહેસૂલ વિભાગના 200 થી વધુ અધિકારીઓએ તેમના એક દિવસનો પગાર આ ઉમદા હેતુ માટે દાનમાં આપતાં બેંકમાં જમા કરાયો હતો.
આગામી વર્ષોની ફી માટે તત્પરતા દર્શાવી : ભરૂચ કલેક્ટરના હાથે 4 લાખનો ચેક આલિયાબાનુને અર્પણ કરવામાં આવ્યો રૂપિયા 4 લાખનો ચેક શનિવારે કલેકટર તુષાર સુમેરાએ આલીયાબાનુને આપ્યો હતો. સાથે જ કલેકટર એવી પણ વ્યવસ્થા કરવાનું વિચારી રહ્યા છે કે આગામી વર્ષોમાં એયુબભાઈ તેમની પુત્રીની ફી ભરવા માટે જિલ્લા પ્રશાસન તત્પર રહેશે. પિતા અને પુત્રીએ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી , ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભરૂચ જિલ્લાના કલેક્ટર તુષાર સુમેરા અને રેવન્યુ વિભાગના તમામ કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.