ભરૂચઃ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોના વિવિધ પ્રશ્ને ધરણા પ્રદર્શનો યોજાયા હતા, ત્યારે પોલીસે અટકાયત કરતા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો સાથે ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતા.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ નીતિના વિરોધમાં શુક્રવારે કિસાન મજુર બચાવો દિવસ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રેલ્વે સ્ટેશન બહાર ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા નજીક ધરણા પ્રદર્શનો યોજાયા હતા. જેમાં કોંગ્રેસના આગેવાનોએ અને કાર્યકરોએ બેનરો સાથે ભારે સુત્રોચ્ચાર કર્યા હતા.
ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા નજીક વિરોધ કરી રહેલા જિલ્લા કોંગ્રેસ કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. જેના પગલે કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતા.
આ કાર્યક્રમમાં જીલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રાણા, શહેર કોંગ્રેસ પ્રમુખ વીકી શોખી, ધારસભ્ય સંજય સોલંકી, પ્રવક્તા નાઝુ ફડવાલા સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા.
કોંગ્રેસ સમીતીના કાર્યકરો દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનમાં આક્ષેપ કરવામાં આવ્યા હતા કે, કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ નીતિના કારણે ખેડૂતો અને શ્રમિકોની હાલત કફોડી બની છે.